ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના IAS અધિકારી દિવ્યા મિત્તલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરના 14 મહિનામાં દેશભરના 7 યુવાન IPS અધિકારીઓએ પણ સેવા છોડી છે. આ ઘટનાઓએ અમલદારશાહીમાંથી બહાર નીકળવાના વલણ અંગે ચર્ચા છેડી છે.
દિવ્યા મિત્તલ IIT દિલ્હી અને IIM બેંગલોરમાંથી અભ્યાસ કરીને લંડનમાં ખાનગી ક્ષેત્રની નોકરી છોડીને IAS બન્યા હતા. મિર્ઝાપુર જિલ્લાના લહુરિયાદહ ગામમાં 75 વર્ષ પછી નળથી પાણી પહોંચાડવાના તેમના કાર્યને કારણે તેઓ સુર્ખીઓમાં રહ્યા હતા.
છેલ્લા 14 મહિનામાં રાજીનામું આપનારા યુવાન IPS અધિકારીઓમાં બિહારના નુરુલ હોદા અને કામ્યા મિશ્રા, ઓડિશાના જગમોહન મીણા, મધ્ય પ્રદેશના અભિષેક તિવારી, આંધ્ર પ્રદેશના સિદ્ધાર્થ કૌશલ અને ઉત્તરાખંડના લોકેશ્વર સિંહનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે.
દરેક રાજીનામા પાછળ જુદાં કારણો સામે આવ્યાં છે. બિહારના કામ્યા મિશ્રાએ રાજકારણમાં આવવા માટે નોકરી છોડી હોવાનું મનાય છે. નુરુલ હોદાએ વક્ફ બોર્ડ બિલના વિરોધમાં રાજીનામું આપ્યું હોવાનું જણાવાય છે. મધ્ય પ્રદેશના અભિષેક તિવારી સાયબર સિક્યોરિટી ક્ષેત્રે, આંધ્ર પ્રદેશના સિદ્ધાર્થ કૌશલ કોર્પોરેટ ક્ષેત્રે, અને ઉત્તરાખંડના લોકેશ્વર સિંહ સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા છે. દિવ્યા મિત્તલે પોતાના અંગત લક્ષ્યો, લેખન અને સામાજિક કાર્ય માટે રાજીનામું આપ્યું હોવાનું સૂત્રો જણાવે છે.
સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા રાજ્યવાર રાજીનામાનો અલગ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના તાજેતરના કિસ્સા ચર્ચામાં રહ્યા છે, પરંતુ કોઈ એક રાજ્યમાં ખાસ વધારો નોંધાયો નથી.
શું ખરેખર દેશમાં અમલદારોના રાજીનામાનું પ્રમાણ વધ્યું છે? સંસદીય આંકડા અને DoPTના આંકડા અલગ ચિત્ર રજૂ કરે છે. છેલ્લા 30 વર્ષમાં IAS, IPS અને IFS એમ ત્રણેય સેવાઓ મળીને માત્ર 300 અધિકારીઓએ રાજીનામું અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી છે, જે કુલ અધિકારીઓના 1% કરતાં પણ ઓછું છે.
તેનાથી વિપરીત, IRS (આવકવેરા અને કસ્ટમ) વિભાગમાં 2014થી 2024 દરમિયાન 853 અધિકારીઓએ નોકરી છોડી છે. ખાનગી ક્ષેત્રે 3થી 5 ગણો વધુ પગાર મળવાને કારણે તેઓ આ તરફ આકર્ષાય છે. પરંતુ IAS અને IPSમાં સામૂહિક રાજીનામા જેવી કોઈ સ્થિતિ નથી.
રાજીનામા પાછળ એક સામાન્ય વલણ દેખાય છે. નવી પેઢીના અધિકારીઓ હવે માત્ર પદના મોભા કે સત્તા માટે આખી જિંદગી એક જ માળખામાં રહેવા નથી માગતા. તેઓ પોતાની કારકિર્દીમાં અંગત સંતોષ, નવી તકો અને સામાજિક પ્રભાવને પ્રાથમિકતા આપે છે. આ બદલાવને લઈને અમલદારશાહીમાં ચર્ચા થઈ રહી છે.