સાઉથ સુપરસ્ટાર યશ અભિનીત ફિલ્મ 'ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ'નું બોક્સ ઓફિસ પર બીજા દિવસનું પ્રદર્શન નોંધપાત્ર ઘટાડા સાથે આવ્યું છે. પ્રથમ દિવસે ₹101.10 કરોડ નેટ કલેક્શન સાથે જોરદાર શરૂઆત કરનાર આ ફિલ્મે ગુરુવારે ભારતમાં ₹36.40 કરોડ નેટ કલેક્શન કર્યું છે. આ રીતે પ્રથમ દિવસની સરખામણીમાં લગભગ 64% નો ઘટાડો નોંધાયો છે. બે દિવસમાં ફિલ્મનું કુલ ભારતીય કલેક્શન ₹137.50 કરોડ થયું છે.
ગુરુવારે દેશભરમાં 19,413 શો યોજાયા હતા અને સરેરાશ 26.6% ઓક્યુપેન્સી રહી હતી. નોંધનીય છે કે ફિલ્મ તેની મૂળ કન્નડ ભાષા કરતાં હિન્દી વર્ઝનમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે. પ્રથમ દિવસે હિન્દી વર્ઝનમાં ₹55 કરોડ અને કન્નડમાં ₹23.30 કરોડની કમાણી થઈ હતી. તેલુગુ વર્ઝને પણ સારો ફાળો આપ્યો છે, જ્યારે તમિલ અને મલયાલમ બિઝનેસ પ્રમાણમાં ધીમો રહ્યો છે.
આ ફિલ્મની સરખામણી હાલમાં રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' સાથે થઈ રહી છે. 'ધુરંધર 2'એ બીજા દિવસે ₹80.72 કરોડ કમાઈને બમણાથી વધુ પ્રદર્શન કર્યું હતું, જ્યારે 'ટોક્સિક'નો આંકડો ઓછો છે. જોકે, 'ટોક્સિક'એ 'ધુરંધર'ના પ્રથમ ભાગની બીજા દિવસની કમાણી (₹32 કરોડ) કરતાં વધારે કલેક્શન કર્યું છે.
ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત અને KVN પ્રોડક્શન્સ તથા મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ દ્વિપાત્ર (રાયા અને ટિકિટ) ભૂમિકામાં છે. કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રૂક્મિણી વસંત જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં છે. મોટા બજેટમાં બનેલી આ ફિલ્મ રિલીઝ પહેલાં ચર્ચામાં હતી, પરંતુ થિયેટરમાં આવ્યા બાદ હિંસા, બોલ્ડ સીન્સ અને ભાવનાત્મક જોડાણના અભાવે પ્રેક્ષકોના મિશ્ર પ્રતિસાદ મળ્યા છે.