સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે ચાલતા નશાકારક દવાઓના ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે ગોકુલમ આર્કેડની દુકાન નંબર 110 પર દરોડો પાડીને ત્યાંથી નિકુંજ ગજેરા નામના શખસની અટકાયત કરી છે.
દરોડા દરમિયાન પોલીસને દુકાનમાંથી સિલ્ડેનાફિલ, ટાપેન્ટાડોલ અને ઓપિઓઇડ જેવી નશાકારક અસર કરતી દવાઓના 200થી વધુ પેકેટ્સ મળી આવ્યા છે. આ ઉપરાંત ઓનલાઇન ઓર્ડર અને વેચાણની વ્યવસ્થા માટે ઉપયોગમાં લેવાતા ત્રણ લેપટોપ પણ જપ્ત કરાયા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ડોક્ટરના કાયદેસરના પ્રિસ્ક્રિપ્શન વગર શિડ્યુલ H1 શ્રેણીની નિયંત્રિત દવાઓ વેચતો હતો. તેણે તાજેતરમાં જ તમિલનાડુમાં 1000થી વધુ ટાપેન્ટાડોલ ગોળીઓનો જથ્થો ઓનલાઇન સપ્લાય કર્યો હોવાનો ખુલાસો થયો છે.
આ કેસની સૌથી ગંભીર બાબત એ છે કે આ દવાઓ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોંચતી હતી. જાણવા મળ્યું છે કે યુવાધન આ ગોળીઓને જ્યુસ કે કોલ્ડ્રિંક્સમાં ભેળવીને નશો કરતા હતા. પોલીસને આશંકા છે કે આ નેટવર્ક સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે સક્રિય હતું.
પોલીસે તમામ દવાઓ જપ્ત કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલી છે. તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે. જો FSL રિપોર્ટમાં દવાઓમાં નાર્કોટિક્સનું પ્રમાણ સાબિત થશે, તો આરોપી સામે NDPS હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે.