સુરત શહેરમાં તહેવારોની મોસમ પહેલાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં મોટો ખુલાસો થયો છે. ઝોન-1 એલસીબી (LCB) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સરથાણા વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી 683 કિલો નકલી માવો અને મીઠાઈનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં સિલ્વર ચોક પાસે આવેલા ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં 'શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટ' નામથી નકલી દૂધનો માવો અને મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી 683 કિલો શંકાસ્પદ માવો, 160 કિલો મોતીચૂરના લાડુ અને 120 કિલો લીલા તથા પિંક કલરની બરફી મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત ₹1.40 લાખ આંકવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાવેશ વઘાસીયા નામનો શખ્સ આ ગેરકાયદેસર કારોબાર ચલાવતો હતો. તે અન્ય શહેરોમાંથી અંદાજે ₹180 પ્રતિ કિલોના ભાવે રંગ ભેળવેલો નકલી માવો સુરતમાં લાવતો હતો. ત્યારબાદ તેમાંથી વિવિધ મીઠાઈઓ બનાવી અલગ-અલગ દુકાનોમાં હોલસેલ ભાવે વેચતો હતો. આ કારોબાર છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો હતો.
દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ તથા આરોગ્ય વિભાગની ટીમે આ માવા અને ગોડાઉનમાં ઉપલબ્ધ અન્ય સામગ્રીને સીલ કરીને તેના કાયદેસરના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને આ ₹1.40 લાખની કિંમતના 683 કિલો નકલી માવા અને મીઠાઈઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યારે ભેળસેળયુક્ત મીઠાઈ અને માવાની માંગ વધી જાય છે. પોલીસ અને ફૂડ વિભાગની આ ઝુંબેશથી શહેરમાં ભેળસેળ કરનારા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે, એવી માહિતી અધિકારીઓએ આપી છે.