Because Every Second Is Breaking News.

સુભાષ ચંદ્રાનો ₹22,006 કરોડ દેવું ₹6.5 કરોડમાં સેટલ, NCLTનો વિવાદાસ્પદ નિર્ણય

સુભાષ ચંદ્રાનો ₹22,006 કરોડ દેવું ₹6.5 કરોડમાં સેટલ, NCLTનો વિવાદાસ્પદ નિર્ણય

રાષ્ટ્રીય કંપની કાયદા પંચ (NCLT) એ મીડિયા ઉદ્યોગપતિ સુભાષ ચંદ્રાને તેમના ₹22,006.57 કરોડના દેવાના બદલામાં માત્ર ₹6.5 કરોડ ચૂકવવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી લેણદારોને 99.97% જેટલો 'હેર કટ' સહન કરવો પડશે, જે ભારતીય દેવા નિવારણ પ્રણાલીમાં એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ ઘટના ગણાય છે.

આ કેસ સુભાષ ચંદ્રા દ્વારા આપવામાં આવેલી અંગત બાંયધરી (પર્સનલ ગેરંટી) સંબંધિત છે. એસલ ગ્રૂપની કંપનીઓએ વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હતી, જે ડિફોલ્ટ થઈ હતી. આ લોનના કારણે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ (હાલમાં સાધના/સન્માન કેપિટલ) અને અન્ય સંસ્થાઓએ સુભાષ ચંદ્રા સામે વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. લેણદારોએ કુલ ₹22,006.57 કરોડના દાવા રજૂ કર્યા હતા.

સુભાષ ચંદ્રાએ પોતાની અંગત સંપત્તિ મર્યાદિત હોવાનું દર્શાવીને કુલ દેવાના બદલામાં ₹6.5 કરોડની ચુકવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. 2017-2018ના સમયમાં તેમની સંપત્તિ ₹40,000 કરોડથી વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, છતાં આ નજીવી રકમનો પ્લાન NCLTએ મંજૂર કર્યો છે. આ નિર્ણય સામે મોટા લેણદારોએ વાંધો ઉઠાવ્યો છે.

લેણદારોમાં એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICHFL) પણ સામેલ છે, જેના ₹1,322.39 કરોડ બાકી હતા. LICHFLની દલીલ હતી કે તેમના દેવાના બદલામાં માત્ર ₹38,09,294 (આશરે 0.028%) ઓફર કરવામાં આવી છે, જે હાસ્યાસ્પદ છે. જોકે, NCLTએ આ વાંધો ફગાવી દીધો હતો. NCLTના જણાવ્યા અનુસાર, વાંધો ઉઠાવનારા લેણદારોનો વોટિંગ હિસ્સો 20% કરતાં ઓછો હતો, જ્યારે 80.81% વોટિંગ હિસ્સો ધરાવતા લેણદારોએ આ પ્લાનને મંજૂરી આપી હતી.

NCLTના ન્યાયમૂર્તિ નિલેશ શર્માએ 144 પાનાના આદેશમાં તર્ક આપ્યો છે કે સુભાષ ચંદ્રાની અંગત સંપત્તિ આ પ્રસ્તાવિત રકમ કરતાં પણ ઓછી છે. જો આ પ્લાન ફગાવી દેવામાં આવે, તો તેઓ સંપૂર્ણ નાદાર જાહેર થશે અને લેણદારોને એક પણ રૂપિયો મળશે નહીં. તેથી દેવાદારને પગભર થવાની તક આપવી તે વધુ સારું છે, એવો કોર્ટનો મત છે.

આ નિર્ણય બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતાં કહ્યું છે કે ફાઇનાન્સની ભાષામાં આને 'હેર કટ' ન કહી શકાય, પરંતુ પૂરેપૂરું 'મુંડન' કહેવાય. તેમણે આ નિર્ણયને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC), 2016ની મજાક ઉડાવવા સમાન ગણાવ્યો છે.

બીજી તરફ, ભારતમાં દેવાના કેસોમાં ફરાર ચાલી રહેલા વિજય માલ્યાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે જો આ સાચું હોય તો સુભાષ ચંદ્રાને ખૂબ અભિનંદન. તેમણે એમ પણ જણાવ્યું કે તેમના પર ₹6,203 કરોડના કોર્ટના ચુકાદા સામે સરકારે ₹14,100 કરોડ વસૂલ્યા છે, જ્યારે અહીં દેવાદારો નજીવી રકમ આપીને છૂટી જાય છે. તેમણે ભારતીય દેવા નિવારણ પ્રણાલી વિશે વ્યંગાત્મક ટિપ્પણી કરી છે.

આ વિવાદ ભારતની દેવા વસૂલાત પ્રણાલી અને IBCના અમલીકરણ પર મહત્વના પ્રશ્નો ઉભા કરે છે. સામાન્ય લોકોની નાની લોન બાકી હોય ત્યારે કડક પગલાં લેવાય છે, પરંતુ મોટા ઉદ્યોગપતિઓના અબજોના દેવા માટે આવી છૂટછાટ આપવામાં આવે છે. જોકે, કોર્ટનો તર્ક એ છે કે કાનૂની પ્રક્રિયામાં સંસ્થાઓનો નિર્ણય અને વસૂલીની શક્યતાને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે કે નહીં તે જોવાનું રહેશે.