Because Every Second Is Breaking News.

NBWL શરતોનો ભંગ: સાસણ રેલ્વે સ્ટેશનના રૂમ હોલિડે હોમ બનાવાયા

NBWL શરતોનો ભંગ: સાસણ રેલ્વે સ્ટેશનના રૂમ હોલિડે હોમ બનાવાયા

જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર વન્યજીવ અભયારણ્યના સાસણ રેલ્વે સ્ટેશન પર બનેલા રિટાયરિંગ રૂમ્સને રેલ્વે વિભાગ દ્વારા હોલિડે હોમમાં ફેરવવામાં આવ્યા છે. આ બાંધકામનો હેતુ બદલવો એ નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ (NBWL) ની શરતોનો સીધો ભંગ છે. પર્યાવરણપ્રેમીઓએ આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.

NBWLની 43મી સ્થાયી સમિતિએ 27 જૂન 2017ના રોજ સાસણ રેલ્વે સ્ટેશન પર રિટાયરિંગ રૂમ બનાવવાના પ્રોજેક્ટને કડક શરતોને આધીન મંજૂરી આપી હતી. શરત નંબર 8 અનુસાર, આ રૂમનો ઉપયોગ ફક્ત રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓના સત્તાવાર કામકાજ માટે જ થઈ શકે છે. તેનો ઉપયોગ પ્રવાસીઓ માટે રેસ્ટ હાઉસ તરીકે કરી શકાશે નહીં. આ હોવા છતાં, અંદાજે 8,000 ચોરસ ફૂટના વિશાળ બાંધકામનો હેતુ બદલીને તેને રેલ્વે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે હોલિડે હોમમાં ફેરવી દેવામાં આવ્યો છે.

ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, સાસણ સ્થિત રેલ્વે હોલિડે હોમમાં રેલ્વેના કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો રોકાઈ શકે છે. કાર્યરત કર્મચારીઓ માટે 24 કલાકનો દર 30 રૂપિયા અને નિવૃત્ત કર્મચારીઓ માટે 60 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બુકિંગ 45 દિવસ પહેલા કરવાનું રહેશે અને વધુમાં વધુ બે દિવસ રોકાણ કરી શકાશે. ઓળખ માટે રેલ્વે આઈડી કાર્ડ કે પીટીઓ દર્શાવવું ફરજિયાત છે. 10 ઓગસ્ટ 2026ના રોજ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે અને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા સુજાતા પાંડે દ્વારા આ હોલિડે હોમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગીર અભયારણ્ય એશિયાટિક સિંહોનું છેલ્લું કુદરતી નિવાસસ્થાન છે. સાસણ સ્ટેશનની આસપાસનો વિસ્તાર સિંહો અને અન્ય વન્યજીવોના કુદરતી કોરિડોર તરીકે જાણીતો છે. આવા સંવેદનશીલ ઇકોસિસ્ટમમાં કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સિંહોના નિવાસસ્થાન માટે જોખમી બની શકે છે. સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની અંદર વ્યાવસાયિક રિસોર્ટ અથવા હોલિડે હોમ ચલાવી શકાય નહીં. ઇકો-સેન્સિટિવ ઝોનના એક કિલોમીટરના વિસ્તારમાં પણ આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. આ હોવા છતાં, અભયારણ્યની ખુદની જમીન પર આવો ગેરકાયદે હેતુફેર ચલાવવામાં આવી રહ્યો છે.

પર્યાવરણપ્રેમીઓએ જણાવ્યું છે કે આ રિટાયરિંગ રૂમ્સનો હેતુફેર એ કાયદાકીય રીતે ગેરકાયદેસર છે. તેમણે તાત્કાલિક અસરથી આ હોલિડે હોમ બંધ કરવાની અને વન વિભાગ તથા સંબંધિત સત્તામંડળો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. રેલ્વે તરફથી આ મામલે સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.