રશિયાએ ભારતીય વાયુસેના માટે S-400 લાંબા અંતરની હવાઈ સંરક્ષણ સિસ્ટમના વધુ પાંચ સ્ક્વોડ્રન ખરીદવા માટે સંરક્ષણ મંત્રાલયને વિસ્તૃત દરખાસ્ત સોંપી છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે રશિયા તરફથી આ દરખાસ્ત મળી ચૂકી છે અને તેના પર આગળની પ્રક્રિયા ચાલી રહી છે.
S-400 એ રશિયા દ્વારા નિર્મિત અત્યાધુનિક લાંબા અંતરની સપાટી-થી-હવા મિસાઇલ સિસ્ટમ છે. તે 400 કિલોમીટર સુધીના અંતરમાં દુશ્મનના વિમાન, ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોને નિશાન બનાવી શકે છે. આ સિસ્ટમ એક સાથે અનેક લક્ષ્યોને ટ્રેક કરીને તેને તોડી પાડવામાં સક્ષમ છે.
આ પ્રોજેક્ટ 50,000 કરોડ રૂપિયાથી વધુનો હોવાનો અંદાજ છે. તેમાંથી બે સ્ક્વોડ્રન ભારતમાં જ તૈયાર કરવામાં આવશે. આ પગલું સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનું માનવામાં આવે છે.
આ નિર્ણય ઓપરેશન સિંદૂરમાં S-400 સિસ્ટમના અસરકારક ઉપયોગ બાદ લેવાયો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન દરમિયાન આ સિસ્ટમે પાકિસ્તાની સર્વેલન્સ અને ફાઈટર વિમાનો સામે મોટી સફળતા મેળવી હતી. આ સિસ્ટમે ભારતીય સરહદથી 200 કિલોમીટરના હવાઈ ક્ષેત્રમાં દુશ્મનના વિમાનોને ઉડાન ભરતા રોકવામાં પણ મદદ કરી હતી.
ભારતે 2018માં રશિયા સાથે S-400 સિસ્ટમના પાંચ સ્ક્વોડ્રન માટે 5.43 અબજ ડોલરનો કરાર કર્યો હતો. આ પૈકી ત્રણ સ્ક્વોડ્રન વાયુસેનામાં સામેલ થઈ ચૂક્યા છે. તે પંજાબ-જમ્મુ, રાજસ્થાન-ગુજરાત અને સિક્કિમ સેક્ટરમાં તૈનાત છે, જેનાથી દેશમાં ત્રિકોણીય હવાઈ સુરક્ષા કવચ ઊભું થયું છે.
ચોથું સ્ક્વોડ્રન દરિયાઈ માર્ગે રવાના કરી દેવામાં આવ્યું છે. પાંચમું અને છેલ્લું સ્ક્વોડ્રન નવેમ્બર 2026 સુધીમાં મળી જવાની શક્યતા છે. અગાઉ યુક્રેન યુદ્ધને કારણે સપ્લાયમાં વિલંબ થયો હતો.
વધુ પાંચ સ્ક્વોડ્રનના પ્રસ્તાવને માર્ચ 2026માં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. આ મંજૂરી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં થયેલી 2.38 લાખ કરોડ રૂપિયાની સંરક્ષણ ખરીદીના ભાગરૂપે આપવામાં આવી હતી.
આ એક ફોલો-ઓન ઓર્ડર હોવાથી તેના પર અમેરિકાના કાટસા (CAATSA) પ્રતિબંધો લાગુ થવાની શક્યતા નથી. 2018ની ડીલ વખતે જ આ મામલે છૂટછાટ મળી ચૂકી છે.
નવા પાંચેય સ્ક્વોડ્રન પૂર્વી અને પશ્ચિમી સરહદો પર તૈનાત કરવામાં આવશે. આ સિસ્ટમ સ્વદેશી 'પ્રોજેક્ટ કુશા' સાથે મળીને દેશનું હવાઈ સંરક્ષણ નેટવર્ક વધુ અભેદ્ય બનાવશે. પ્રોજેક્ટ કુશા ભારતની સ્વદેશી લાંબા અંતરની હવાઈ સંરક્ષણ સિસ્ટમ છે, જે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી રહી છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન વપરાયેલા ઇન્ટરસેપ્ટર્સની ભરપાઈ માટે ભારતીય વાયુસેના 10,000 કરોડ રૂપિયાની નવી મિસાઇલો ખરીદવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.
આ તમામ સ્ક્વોડ્રન તૈનાત થઈ જાય તો ભારતીય હવાઈ ક્ષેત્ર ડ્રોન, ચોથી પેઢીના ફાઈટર જેટ્સ અને બેલિસ્ટિક મિસાઈલો સામે વધુ સુરક્ષિત બનશે. આ સિસ્ટમ ભારતની સંરક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.