આ વર્ષે શ્રાવણ સુદ પૂનમ, એટલે કે 28 ઑગસ્ટ 2026, શુક્રવારના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. ભાઈ-બહેનના અપાર પ્રેમ અને રક્ષાના પ્રતીક રૂપે ઉજવાતા આ પર્વને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છે. આ વખતે જ્યોતિષીય ગણતરી મુજબ વિશેષ શુભ સંયોગ રહેલો છે.
જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આ ઉપરાંત ભદ્રા દોષ પણ નથી. આથી બહેનો અને શ્રદ્ધાળુઓ આખો દિવસ કોઈપણ સમયે પોતાના ભાઈને રાખડી બાંધી શકશે. ભદ્રા કાળ અને ગ્રહણના કારણે ઘણી વખત શુભ સમય મર્યાદિત રહેતો હોય છે, પરંતુ આ વખતે આવી કોઈ અડચણ ન હોવાથી રક્ષાબંધનનો લાભ સંપૂર્ણ રીતે મળશે.
રક્ષાબંધન એટલે રક્ષાનું સૂત્ર. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ તેની આજીવન રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. શાસ્ત્રો અને વિદ્વાનોના મતે આ પરંપરા સતયુગથી ચાલી આવે છે. દરેક યુગમાં તેનું મહત્વ જુદી રીતે દર્શાવવામાં આવ્યું છે.
સતયુગમાં દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. દેવો નિર્બળ પડતાં દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા. ત્યારે દેવગુરુએ શ્રાવણ સુદ પૂનમના દિવસે સિદ્ધ કરેલું રક્ષાસૂત્ર ઇન્દ્રની પત્ની શચીએ ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. એનાથી દેવોને વિજય મળ્યો. ત્રેતાયુગમાં રાજાના પુરોહિતો રાજ્ય અને રાજાના રક્ષણ માટે રક્ષાસૂત્ર બાંધતા હતા, જ્યારે પ્રજા પોતાના ગુરુઓ પાસેથી રક્ષાસૂત્ર બંધાવતી હતી.
દ્વાપરયુગની વાત કરીએ તો, મહાભારત કાળમાં શ્રીકૃષ્ણના હાથમાં ઈજા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને ભગવાન શ્રીકૃષ્ણના કાંડા પર બાંધ્યો હતો. આ રક્ષાના બદલામાં શ્રીકૃષ્ણે ચીરહરણ વખતે દ્રૌપદીની લાજ રાખી હતી અને તેની રક્ષા કરી હતી. આ પ્રસંગ રક્ષાબંધનના મહત્વને સમજાવે છે.
કલિયુગમાં પણ આ પરંપરા અવિરત ચાલુ છે. બહેન ભાઈના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે રાખડી બાંધે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષાની જવાબદારી નિભાવે છે. ઈતિહાસમાં પણ રક્ષાબંધનનું એક અમર ઉદાહરણ છે. જ્યારે મેવાડ પર આક્રમણનું જોખમ હતું, ત્યારે મહારાણી કર્ણાવતીએ રાજ્યની રક્ષા માટે મુઘલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી હતી. આમ, રક્ષાબંધન માત્ર એક દોરો નથી, પરંતુ રક્ષણ, સ્નેહ અને સમર્પણનું પવિત્ર પર્વ છે.
આ વર્ષે ભદ્રા અને ગ્રહણનો અભાવ હોવાથી બહેનો માટે રાખડી બાંધવા માટેનો સમય વધુ અનુકૂળ છે. જે લોકો શુભ મુહૂર્તમાં જ રાખડી બાંધવા ઈચ્છે છે, તેઓ સવારથી સાંજ સુધી કોઈપણ શુભ સમય પસંદ કરી શકે છે. આ તહેવાર ભાઈ-બહેનના સંબંધને વધુ મજબૂત બનાવે છે અને સમાજમાં પ્રેમ અને એકતાનો સંદેશ આપે છે.