Because Every Second Is Breaking News.

હલ્દવાનીમાં 'શુદ્ધિકરણ' મામલે રાહુલ ગાંધીનો આરોપ: અશ્પૃશ્યતા બરાબર, FIR નોંધવાની માગ

હલ્દવાનીમાં 'શુદ્ધિકરણ' મામલે રાહુલ ગાંધીનો આરોપ: અશ્પૃશ્યતા બરાબર, FIR નોંધવાની માગ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ કથિત 'શુદ્ધિકરણ' કૃત્યને લઈને ભાજપ અને આરએસએસ પર આક્ષેપ કર્યો છે. તેમણે આ કૃત્યને અશ્પૃશ્યતાની માનસિકતા ગણાવી છે, જે ભારતીય બંધારણ મુજબ ગુનો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે દેશ અને બંધારણ માટે આખું જીવન સમર્પિત કરી ચૂક્યા છે. હલ્દવાનીમાં રામલીલા મેદાનમાં ભાષણ આપવા ગયા ત્યારે કથિત રીતે શુદ્ધિકરણ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આવું કૃત્ય ફક્ત ભાજપ અને આરએસએસના લોકો જ કરે છે, અને બંધારણ હેઠળ તે અપરાધ છે. 'આને અશ્પૃશ્યતા જ કહેવાય' એમ તેમણે સ્પષ્ટ ટિપ્પણી કરી.

વિપક્ષ નેતાએ ભાજપ સરકારને ચેતવણી આપતા કહ્યું કે હલ્દવાનીની આ ઘટના મામલે વહેલી તકે એફઆઈઆર નોંધીને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર આ મામલે ગંભીર નથી અને આવી ઘટનાઓને દબાવવાનો પ્રયાસ થાય છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હાલ દેશમાં બે વિચારધારાઓ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. એક તરફ બંધારણ, ડૉ. ભીમરાવ આંબેડકર, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની વિચારધારા છે, તો બીજી તરફ ભાજપ અને આરએસએસની વિચારધારા છે. તેમણે કહ્યું કે આ લડત દેશના ભવિષ્ય માટે નિર્ણાયક છે.

નોંધનીય છે કે ખડગેની સભા પછી કથિત શુદ્ધિકરણની ઘટના સામે આવી હતી, જેમાં સ્થાનિક ભાજપ નેતાઓએ સ્થળની 'શુદ્ધિ' કરી હોવાનું કહેવાય છે. જોકે, આ સંદર્ભમાં ભાજપ અથવા આરએસએસ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આ સમાચાર લખાયા ત્યાં સુધી મળી નથી.

અશ્પૃશ્યતા અંગે ભારતીય બંધારણની કલમ 17 હેઠળ તેને ગુનો ગણાવવામાં આવ્યો છે, અને તેને નાબૂદ કરવા માટે કાયદાકીય જોગવાઈઓ છે. આ મામલે રાહુલ ગાંધીની માગણીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.