Because Every Second Is Breaking News.

એક મહિનો ખાંડ છોડો: શરીરમાં થતા ફેરફારો અને સાવચેતી

એક મહિનો ખાંડ છોડો: શરીરમાં થતા ફેરફારો અને સાવચેતી

આજના સમયમાં ખાંડ એટલે દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી સામાન્ય વસ્તુ છે. પરંતુ વધુ પડતી ખાંડ શરીર માટે હાનિકારક બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, દરરોજની કુલ કેલરીમાંથી માત્ર 10% કે તેથી ઓછી કેલરી ખાંડમાંથી લેવી જોઈએ. જે લોકો વધુ ખાંડ લે છે, તેઓ જો એક મહિના માટે ખાંડ છોડી દે, તો શરીરમાં અનેક સકારાત્મક ફેરફારો થઈ શકે છે.

શરૂઆતના દિવસોમાં ખાંડની અસર મગજ પર થાય છે. ખાંડ છોડતાની સાથે જ મીઠાશની ઝંખના વધે છે, થાક, ચિડચિડાપણું અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો સામાન્ય રીતે 3 થી 7 દિવસમાં ઓછા થાય છે. ડોક્ટરોના મતે, આ સમયગાળો શરીર માટે સામાન્ય છે કારણ કે મગજ ખાંડ વગર કામ કરવાનું શીખે છે.

બે થી ત્રણ અઠવાડિયા પછી શરીરમાં નોંધપાત્ર ફેરફાર દેખાય છે. સૌથી મહત્વની અસર વજન પર જોવા મળે છે. ખાંડમાં ખાલી કેલરી હોય છે, જે ચરબી તરીકે સંગ્રહ થાય છે. તેને દૂર કરવાથી કેલરીની માત્રા ઘટે છે, જેનાથી વજન ઘટવામાં મદદ મળે છે. ખાસ કરીને પેટની ચરબી ઘટવા પર ખાંડ છોડવાની સીધી અસર જોવા મળે છે. સાથે જ, ઈન્સ્યુલિનનું સ્તર નિયંત્રિત થાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે.

એનર્જી લેવલમાં પણ સુધારો થાય છે. ખાંડ ઝડપથી ઊર્જા આપે છે, પણ તેની અસર ટૂંકા સમય માટે રહે છે. ખાંડ છોડ્યા પછી શરીર ચરબીને ઊર્જામાં ફેરવવાનું શરૂ કરે છે, જેનાથી લાંબા સમય સુધી ઊર્જા જળવાઈ રહે છે. આ ઉપરાંત ઊંઘમાં સુધારો, માનસિક સ્પષ્ટતા અને એકાગ્રતા વધે છે. ઘણા લોકો અનુભવે છે કે ખાંડ છોડ્યા પછી ત્વચા પર ચમક આવે છે, કારણ કે ખાંડ બળતરા અને પિમ્પલ્સનું કારણ બની શકે છે.

ખાંડ છોડવાનો અર્થ એ નથી કે ફક્ત મીઠાઈ અથવા ચા-કોફીમાંથી ખાંડ દૂર કરવી. પ્રોસેસ્ડ ફૂડમાં પણ છુપાયેલી ખાંડ હોય છે, જેમ કે કોલ્ડ્રિંક્સ, પેકેટબંધ જ્યુસ, સોસ, બિસ્કિટ વગેરે. આ બધી વસ્તુઓ ટાળવી જરૂરી છે. ખાંડના બદલે ફળો, સૂકામેવા, દહીં અને ગોળ જેવા કુદરતી વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ગોળ પણ ખાંડ જેટલી કેલરી આપે છે, તેથી તેનું પ્રમાણ મર્યાદિત રાખવું જોઈએ.

જે લોકો ખાંડ છોડવાનું વિચારે છે, તેમણે અચાનક ન છોડીને ધીમે ધીમે માત્રા ઘટાડવી વધુ સારી છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, હાઈપોગ્લાયસીમિયા અથવા અન્ય કોઈ રોગ હોય, તો ડૉક્ટરની સલાહ લઈને જ ખાંડ છોડવી જોઈએ. એક મહિનાના અંતે, મોટા ભાગના લોકોને લાગે છે કે તેમનું વજન ઘટ્યું છે, ઊર્જા વધી છે અને એકંદરે શરીર હળવું લાગે છે. આ ફેરફારો કાયમી રાખવા માટે ખાંડનું સેવન ઓછું કરવું અને સંતુલિત આહાર અપનાવવો જરૂરી છે.