Because Every Second Is Breaking News.

પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન, 6 સપ્ટેમ્બરે ફ્રાન્સના પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ

પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન, 6 સપ્ટેમ્બરે ફ્રાન્સના પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં પહોંચ્યા છે. તેમની ઉપસ્થિતિમાં 6 સપ્ટેમ્બરના રોજ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે 2થી 14 સપ્ટેમ્બર દરમિયાન 'પેરિસ મંદિર મહોત્સવ' અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.

મહંત સ્વામી મહારાજે નવનિર્મિત મંદિરનું પ્રથમ વખત અવલોકન કર્યું હતું. સાથે જ 10 એકરમાં પથરાયેલા મહોત્સવ પરિસર 'સ્વામિનારાયણ નગર'ની પણ મુલાકાત લીધી હતી. આ પરિસર મહોત્સવ દરમિયાન અપેક્ષિત હજારો મુલાકાતીઓના સ્વાગત માટે તૈયાર કરવામાં આવ્યું છે.

યુરોપ અને વિશ્વભરમાંથી આવેલા સેંકડો ભક્તો અને સ્વયંસેવકોએ મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મંદિર ખાતે માર્ગની બંને બાજુ ઊભા રહી ભક્તોએ તેમનું સ્વાગત કર્યું. પારંપરિક નૃત્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા સ્વાગત સમયે ભક્તિમય માહોલ સર્જાયો હતો.

આ મંદિર દીર્ઘકાલીન સંકલ્પ અને હજારો ભક્તો, સ્વયંસેવકો તથા સહયોગીઓના વર્ષોના સમર્પિત પ્રયાસોનું પરિણામ છે. ભારતમાં નિર્મિત અને ફ્રાન્સમાં એસેમ્બલ કરાયેલું આ મંદિર ઉપાસના, શિક્ષણ, સંસ્કૃતિ અને સેવાના કેન્દ્ર તરીકે કાર્ય કરશે. મંદિર તમામ ધર્મો અને વિવિધ પૃષ્ઠભૂમિના લોકોનું સ્વાગત કરશે.

મહોત્સવ દરમિયાન 10,000થી વધુ મુલાકાતીઓ જોડાશે તેવી અપેક્ષા છે. 5 સપ્ટેમ્બરના રોજ એફિલ ટાવરથી શરૂ થનારી ભવ્ય નગરયાત્રામાં 5,000થી વધુ સહભાગીઓ અને કલાકારો જોડાશે. આ શોભાયાત્રામાં પારંપરિક સંગીત, નૃત્ય અને ભારતીય સંસ્કૃતિ દર્શાવતા 14 સુશોભિત રથ સામેલ હશે. 3 સપ્ટેમ્બરના રોજ સેન નદી પર 11 નૌકાઓની વિશિષ્ટ જલયાત્રા પણ યોજાશે.

BAPS યુકે અને યુરોપ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્યો તેમજ BAPS પેરિસ મંદિરના નિર્માણ અને મહોત્સવના આયોજનમાં સહયોગ આપનાર પ્રતિનિધિઓએ વિધિવત્ રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કર્યું હતું.