Because Every Second Is Breaking News.

નેપાળ પૂર: 788 મોત, 2500થી વધુ ગુમ; પુલ તૂટવાથી 400 પરિવારો અટવાયા

નેપાળ પૂર: 788 મોત, 2500થી વધુ ગુમ; પુલ તૂટવાથી 400 પરિવારો અટવાયા

નેપાળમાં ભારે વરસાદ પછી આવેલા વિનાશક પૂરને પાંચ દિવસ વીતી ગયા છતાં સ્થિતિ ગંભીર છે. અત્યાર સુધીમાં ૭૮૮ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫૦૦થી વધુ લોકો ગુમ છે. હજારો પરિવારો પોતાના સ્વજનોની શોધખોળમાં લાગેલા છે. ઓળખ ન થઈ શકેલા મૃતદેહોના નમૂના સાચવીને સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

મધ્ય નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં ફરી પાણી વધવાને કારણે રશુવા અને ગોરખાને જોડતો ૧૩૦ મીટર લાંબો ઘ્યાલચોક-ચારૌદી પુલ તૂટી પડ્યો છે. આ પુલ તૂટતાં ૪૦૦થી વધુ પરિવારો મુખ્ય સંપર્ક માર્ગથી કપાઈ ગયા છે. સ્થાનિક ખેડૂતો માટે આ પુલ દૂધ અને શાકભાજી બજાર સુધી પહોંચાડવાનો એકમાત્ર રસ્તો હતો. અગાઉ ૨૬ ઓગસ્ટે ધવાદિઘાટનો પુલ પણ વહી ગયો હતો, જેથી તમામ વૈકલ્પિક રસ્તાઓ બંધ થઈ ગયા છે.

સૌથી પડકારજનક બચાવ કામગીરી હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સની ટનલમાં ચાલી રહી છે. રશુવાના 'અપર ત્રિશૂલી-1' અને નુવાકોટના 'અપર ત્રિશૂલી-3A' પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા નેપાળી સેના સાથે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતો કામ કરી રહ્યા છે. ભારતીય ટીમ ટનલની અંદર ત્રણ કિલોમીટર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં ૨૫૦ જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે સેનાના એન્જિનિયરો કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ અને ભારે મશીનોનો ઉપયોગ કરી રહ્યા છે.

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ૯,૪૩૫થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ માટે ૩૯૪ હવાઈ ઉડાન ભરવામાં આવી છે. જમીન પર ૨૦,૬૧૮થી વધુ સુરક્ષા કર્મચારીઓ દિવસ-રાત બચાવ કામગીરીમાં લાગેલા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૬ અસ્થાયી રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં હજારો લોકોને આશ્રય અને ભોજન આપવામાં આવી રહ્યું છે. પૂરમાં ઘવાયેલા ૨૬૭ લોકોને સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

ભારત સરકાર તરફથી નેપાળને સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા ટનલ રેસ્ક્યૂ સાધનો, ડીએનએ ટેસ્ટિંગ કિટ્સ, દવાઓ, ખાદ્ય સામગ્રી, પોર્ટેબલ જનરેટર, સ્લીપીંગ બેગ્સ અને સ્ટીલ-બેલી બ્રિજ સહિત ૬૮.૫ ટનથી વધુ રાહત સામગ્રી મોકલવામાં આવી છે.

પૂરના કારણે ઠપ થયેલી દૂરસંચાર સેવાઓને પુનઃશરૂ કરવા માટે ૧૮૦થી વધુ ટાવરોને ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમો વચ્ચે સંપર્ક જાળવવા ૨૦ સેટેલાઈટ ફોન ફાળવવામાં આવ્યા છે.

આ કુદરતી આફતે નેપાળમાં ભારે તારાજી સર્જી છે. ગુમ થયેલા લોકોની સંખ્યા ઘણી મોટી છે, તેથી રાહત અને બચાવ કામગીરી હજુ ઘણા દિવસો સુધી ચાલુ રહે તેવી શક્યતા છે.