Because Every Second Is Breaking News.

ગાંધીનગર: નર્મદા કેનાલમાં માતા-પુત્રી ઝંપલાવ્યાં, પુત્રીનું મોત, માતાનો જીવ બચાવ્યો

ગાંધીનગર: નર્મદા કેનાલમાં માતા-પુત્રી ઝંપલાવ્યાં, પુત્રીનું મોત, માતાનો જીવ બચાવ્યો

ગાંધીનગર પાસે આવેલી અંબાપુર નર્મદા કેનાલમાં ગુરુવારે (27 ઓગસ્ટ) અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા એક માતા અને તેમની પુત્રીએ ઝંપલાવવાની ઘટના બની. આ ઘટનામાં પુત્રીનું મોત નિપજ્યું છે, જ્યારે માતાને ફાયર બ્રિગેડની ટીમે સમયસર રેસ્ક્યૂ કરીને સી.પી.આર. આપીને જીવ બચાવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, સવારે 10.59 વાગ્યે કંટ્રોલ રૂમમાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈનો ફોન આવ્યો. તેમણે જાણ કરી કે અંબાપુર નર્મદા કેનાલમાં બે વ્યક્તિઓએ ઝંપલાવ્યું છે. આ જાણ થતાં જ સરગાસણ ફાયર સ્ટેશનથી રેસ્ક્યૂ ટીમ રવાના થઈ. માત્ર બે મિનિટમાં ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમમાં એક અધિકારી, એક ડ્રાઈવર, ચાર ફાયરમેન અને બે તાલીમાર્થીઓ સામેલ હતા. તેઓ અત્યાધુનિક રેસ્ક્યૂ સાધનો સાથે ફાયર વાહનમાં પહોંચ્યા હતા.

ટીમે કેનાલમાં શોધખોળ કરીને માતા અને પુત્રી બંનેને પાણીમાંથી બહાર કાઢ્યાં. ત્યારબાદ બંનેને તાત્કાલિક સી.પી.આર. આપવામાં આવ્યું. ફાયર જવાનોની સમયસૂચકતાથી માતાને શ્વાસ પરત આવતાં તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો. જોકે, પુત્રીને સી.પી.આર. આપ્યા છતાં તેમનું મોત થયું.

બચાવેલા મહિલાનું નામ મંજુબહેન વિજયભાઈ પટણી અને મૃતક પુત્રીનું નામ રોશનીબહેન વિજયભાઈ પટણી છે. તેઓ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ચમનપુરા, મામુ પઠાણની ચાલીમાં રહેતા હતા.

રેસ્ક્યૂ બાદ મૃતક પુત્રીના મૃતદેહને પોલીસની પી.સી.આર. વાનમાં અને માતા મંજુબહેનને પોલીસના વાહનમાં અડાલજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં. માતાની સ્થિતિ અંગેની વિગતો પ્રાથમિક સારવાર બાદ મળશે.

પોલીસે આ બનાવમાં માતા-પુત્રીએ કયા કારણે આ પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ગ્રામીણ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. મૃતક પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.