Because Every Second Is Breaking News.

મોરૈયાના ગોડાઉનમાંથી રૂ.72.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 9 સામે ફરિયાદ

મોરૈયાના ગોડાઉનમાંથી રૂ.72.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 9 સામે ફરિયાદ

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચાંગોદરના મોરૈયા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ દરોડામાં 35,199 બોટલ દારૂ, ત્રણ બોલેરો વાહન અને છ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.96.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

LCB ને મળેલી બાતમીના આધારે મોરૈયા ગામની સીમમાં આવેલા મહાગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત શ્યામ મેટલ કંપનીના ગોડાઉનના શેડમાં છાપો મારવામાં આવ્યો હતો. ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો મળી આવી હતી. આ દારૂની બજાર કિંમત રૂ.72.50 લાખ હોવાનું અંદાજવામાં આવ્યું છે.

પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં દિપકસિંગ મહાલે (રહે. ધુલીયા, મહારાષ્ટ્ર), આનંદ રાજપુત (રહે. ધુલીયા, મહારાષ્ટ્ર), સુધીર પંડ્યા (રહે. શિહોર, ભાવનગર) અને અલ્પેશભાઈ મકવાણા (રહે. બોરતળાવ, ભાવનગર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પાંચ શખસો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આમ, કુલ નવ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

આ દરોડા બાદ ચાંગોદર પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજે 10,000 જેટલા ગોડાઉન આવેલા છે. પોલીસનું કહેવું છે કે ત્યાં નિયમિત ચેકિંગ કરવામાં આવે છે. ખાસ કરીને 19 તારીખે ચાંગોદર પોલીસે તમામ ગોડાઉન ચેક કરવા એક ડ્રાઇવ હાથ ધરી હતી, જેમાં એક પીએસઆઈ અને 20 કર્મચારીઓને ફરજ પર લગાવ્યા હતા. છતાં આટલી મોટી માત્રામાં દારૂ પકડાયો છે, જે પોલીસ ચકાસણીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા કરે છે.

ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે સનાથલ, ચાંગોદર સહિતના અનેક ગોડાઉનમાં ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી દારૂના સપ્લાયની સાંકળ વિશે પૂછપરછ કરવાની યોજના ઘડી છે.

નોંધનીય છે કે, આ પ્રકારની ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે અનેક વખત કાર્યવાહી કરી છે. છતાં આટલો મોટો જથ્થો ગોડાઉનમાંથી મળી આવવો એ ગંભીર બાબત છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલે ચાંગોદર પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી શકે છે.