Because Every Second Is Breaking News.

PM મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન, યુરેનિયમ અને GIFT સિટી સહયોગ નક્કી

PM મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન, યુરેનિયમ અને GIFT સિટી સહયોગ નક્કી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાશકંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકાત મિર્ઝિયોયેવને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે યોજાયેલી વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે વડાપ્રધાન મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓલી દારાજાલી દુસ્તલિક'થી નવાજ્યા હતા. આ સન્માન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે.

બંને દેશોએ આર્થિક સહયોગ, વેપાર, ઊર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રે સહયોગ વધારવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ખાસ કરીને યુરેનિયમના દીર્ઘકાલીન પુરવઠાની વ્યવસ્થા કરવા પર સંમતિ થઈ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમની સતત અને લાંબા ગાળાની સપ્લાય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

બંને દેશો વચ્ચેના સહયોગને દિશા આપવા માટે વિદેશ મંત્રી સ્તરે 'સંકલન પરિષદ'ની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. આ પરિષદ તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા અને દિશાનિર્દેશન કરશે.

PM મોદીએ ઉઝબેકિસ્તાનમાં ચાલી રહેલા 'ન્યૂ તાશકંદ' પ્રોજેક્ટના સંદર્ભમાં ગુજરાતમાં વિકસિત GIFT સિટીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિમંડળને ગુજરાત આવીને GIFT સિટીના ટેકનોલોજીકલ મોડેલનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. ઉપરાંત બંને દેશો સંયુક્ત રીતે મોટા બિઝનેસ સમિટનું આયોજન કરશે અને ત્રણ 'સિસ્ટર-સિટી' તથા 'સિસ્ટર-સ્ટેટ' કરારો પણ થશે.

રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે PM મોદીના નેતૃત્વમાં ભારતે ડિજિટલાઇઝેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પેસ રિસર્ચમાં કરેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે આ ક્ષેત્રોમાં ભવિષ્યમાં સહયોગ વધારવાની આશા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન મોદીએ ઉઝબેકિસ્તાનના આગામી 35મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ત્યાંની જનતાને આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું કે બંને દેશો આ વર્ષે વ્યૂહાત્મક ભાગીદારીના 15 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ મુલાકાતથી ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે એવી અપેક્ષા છે.