વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મધ્ય એશિયાના ચાર દિવસીય પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઉઝબેકિસ્તાનના તાશ્કંદ અને કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેકની મુલાકાત લેશે. બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની 26મી શિખર પરિષદમાં ભાગ લેશે.
પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 29 ઓગસ્ટે PM મોદી તાશ્કંદ પહોંચશે. અહીં તેઓ યંગ ઉઝબેકિસ્તાન પાર્કમાં શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિર્ઝિયોયેવ તેમના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે. આ દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં ચર્ચા કરશે.
30 ઓગસ્ટના રોજ PM મોદી ઉઝબેકિસ્તાનના પ્રમુખ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા થશે અને વેપાર, રોકાણ, ઊર્જા, શિક્ષણ તથા ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા પર ચર્ચા થશે. દ્વિપક્ષીય વાતચીત બાદ તેઓ શાસ્ત્રી મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપશે અને તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટીમાં સ્થિત મહાત્મા ગાંધી સેન્ટરની મુલાકાત લેશે. સાંજે તેઓ બિશ્કેક તરફ રવાના થશે.
31 ઓગસ્ટે PM મોદી બિશ્કેકમાં SCOની 26મી શિખર પરિષદમાં ભાગ લેશે. આ વર્ષે સંગઠનની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયાં છે. સમિટમાં સુરક્ષા, કનેક્ટિવિટી અને પરસ્પર સહયોગ જેવા મુદ્દાઓ પર ભારત પોતાની પ્રાથમિકતાઓ રજૂ કરશે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે PM મોદીની દ્વિપક્ષીય મુલાકાત થશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
1 સપ્ટેમ્બરે SCO સમિટના કાર્યક્રમો ચાલુ રહેશે. PM મોદી સંગઠનના અન્ય સભ્ય દેશોના નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. આ દિવસે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની મુલાકાત પર ખાસ નજર રહેશે. આ ઉપરાંત PM મોદી છઠ્ઠા વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ સામેલ થશે. આ આયોજન મધ્ય એશિયાની પરંપરાગત સંસ્કૃતિ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે યોજાય છે.
SCO એટલે શાંઘાઈ સહયોગ સંગઠન, જે એશિયાનો મહત્વનો પ્રાદેશિક સંગઠન છે. તેની સ્થાપના 2001માં થઈ હતી. આ સંગઠનનો હેતુ સુરક્ષા, આતંકવાદ, અલગતાવાદ, વેપાર, કનેક્ટિવિટી અને સહયોગના મુદ્દાઓ પર સાથે કામ કરવાનો છે. ભારત 2017થી SCOનો પૂર્ણ સભ્ય છે.
ભારત માટે આ પ્રવાસ ખાસ મહત્વ ધરાવે છે. ઉઝબેકિસ્તાન સાથે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. વેપાર, ઊર્જા અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગના નવા રસ્તાઓ ખુલી શકે છે. SCOના મંચ પર ભારત સુરક્ષા અને આતંકવાદ જેવા મુદ્દાઓ ઉઠાવશે, જે દેશ માટે પ્રાથમિકતા છે.
આ પ્રવાસ દરમિયાન પુતિન અને જિનપિંગ સાથેની મુલાકાતને કારણે તેનું રાજકીય મહત્વ પણ વધી જાય છે. ભારત-રશિયા અને ભારત-ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના વર્ષોમાં અનેક પડકારો આવ્યા છે. આવા સમયે થનારી વાતચીતથી સંબંધોમાં સુધારાની અપેક્ષા રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રવાસ બાદ સપ્ટેમ્બરમાં ભારતમાં BRICS શિખર પરિષદ યોજાવાની છે. આમ, આગામી સમયમાં ભારતની રાજદ્વારી સક્રિયતા વધવાની ધારણા છે.