ભારતની અગ્રણી ઓટોમેકર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની નવી ઇલેક્ટ્રિક કાર BE 6 SPORTEQમાં ગૂગલના જેમિનાઇ AIને એકીકૃત કરવા ગૂગલ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી સાથે મહિન્દ્રા ભારતની પ્રથમ એવી કંપની બની છે જેણે કારમાં ગૂગલ જેમિનાઇના એન્ટરપ્રાઇઝ ઓટોમોટિવ એજન્ટને સાંકળ્યો છે. આ સિસ્ટમ ડ્રાઇવરના રોજબરોજના કમાન્ડને સમજીને એસી, લાઇટિંગ, નેવિગેશન જેવા કાર્યો AIની મદદથી નિયંત્રિત કરશે.
મહિન્દ્રાએ આ આખી વ્યવસ્થા પોતાના ખાસ વિકસાવેલા ‘મહિન્દ્રા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આર્કિટેક્ચર પ્લેટફોર્મ’ પર આધારિત બનાવી છે. આ પ્લેટફોર્મ દ્વારા કારમાં ગૂગલ જેમિનાઇના અદ્યતન AI મોડેલને સીધો ઉપયોગ કરી શકાશે. અત્યારે બજારમાં ઉપલબ્ધ મોટાભાગની કારમાં ‘ઇન-કાર વોઇસ આસિસ્ટન્ટ’ હોય છે, જે માત્ર નિશ્ચિત કે પૂર્વનિર્ધારિત કમાન્ડ જ સમજી શકે છે. જ્યારે મહિન્દ્રાની આ નવી સિસ્ટમ અત્યાધુનિક એઆઇ પર આધારિત હોવાથી તે વાહનચાલકની રોજબરોજની ભાષામાં આપેલી સૂચનાઓને સમજી શકશે, તેના જવાબ આપી શકશે અને તે મુજબ કાર્યો પણ કરી શકશે.
આ સિસ્ટમથી વાહનચાલક કારમાં એસી કંટ્રોલ, લાઇટિંગ, વિન્ડો ઓપરેશન, મીડિયા, નેવિગેશન જેવી સુવિધાઓને વાણી દ્વારા નિયંત્રિત કરી શકશે. ઉદાહરણ તરીકે, ડ્રાઇવર ‘એસીનું તાપમાન ૨૪ ડિગ્રી કરો’ એમ બોલે તો સિસ્ટમ તે સમજીને એસી આપોઆપ એડજસ્ટ કરશે. તેવી જ રીતે લાઇટો ચાલુ કરવી, વિન્ડો ખોલવી કે ગંતવ્ય સ્થળ નક્કી કરવું જેવાં કામો પણ AI દ્વારા શક્ય બનશે. આ સિસ્ટમ સ્માર્ટફોનને કાર સાથે કનેક્ટ કર્યા વિના જ કાર્ય કરશે.
હાલમાં સ્માર્ટફોનને એન્ડ્રોઇડ ઓટો કે એપલ કાર પ્લે દ્વારા કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે જોડી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ મોટે ભાગે સ્માર્ટફોનની એપ્સ સુધી મર્યાદિત રહે છે. કારની સિસ્ટમમાં જ AI એકીકૃત હોવાથી સ્માર્ટફોન વિના પણ અદ્યતન AI સુવિધાઓનો લાભ લઈ શકાશે. આ ટેક્નોલોજી ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
જગતભરમાં ટેક કંપનીઓ અને કાર ઉત્પાદકો વચ્ચેનો સહયોગ સતત વધી રહ્યો છે. ગૂગલ જેવી ટેકનોલોજી કંપની ડ્રાઇવરલેસ કારના નિર્માણ તરફ આગળ વધી રહી છે, તો ટેસ્લા જેવી કંપનીનાં મૂળ પણ ટેકનોલોજી ક્ષેત્રમાં છે. હવે ભારતમાં પણ કારમાં ‘ઇન્ટરનેટ ઇનસાઇડ’ કે ‘એઆઇ ઇનસાઇડ’ જેવા લેબલ જોવા મળી રહ્યાં છે. આવી કાર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈને વાહનચાલકની મદદ સાથે કે તેની મદદ વિના વિવિધ કાર્યો કરી શકે છે.
મહિન્દ્રાના આ પગલાથી ભારતીય બજારમાં AI-સંચાલિત કારની નવી શરૂઆત થઈ છે. આ ટેક્નોલોજી આગામી સમયમાં કારના અન્ય મોડેલોમાં પણ વિસ્તરશે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોના મતે, આ પ્રકારની AI સિસ્ટમ માત્ર સુવિધા જ નહીં, પરંતુ સલામતી અને ડ્રાઇવિંગ અનુભવમાં પણ સુધારો લાવી શકે છે. મહિન્દ્રા અને ગૂગલની આ ભાગીદારી ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ટેકનોલોજીના ઉપયોગની દિશામાં એક મોટું પગલું છે.