Because Every Second Is Breaking News.

જેન-ઝીને સજા તો દૂર ધમકાવી પણ ના શકો : જજ ભુયાન

જેન-ઝીને સજા તો દૂર ધમકાવી પણ ના શકો : જજ ભુયાન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને રવિવારે દિલ્હી લો યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સંબોધન આપતા વિદ્યાર્થીઓના અધિકારોનું સમર્થન કર્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે સવાલ પૂછવા બદલ વિદ્યાર્થીઓને સજા કરવી કે ધમકાવવું એ બંધારણની વિરુદ્ધ છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે શિક્ષણ સુધારણા સહિત વિવિધ મુદ્દે જેન-ઝી (યુવા પેઢી) સક્રિયપણે આંદોલન કરી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવતા સવાલો અને વ્યક્ત કરવામાં આવતા અલગ મતો અંગે કેટલીકવાર કડક પગલાં લેવાતાં હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.

જસ્ટિસ ભુયાને જણાવ્યું કે સવાલ પૂછવો એ આજ્ઞાભંગ નથી, પરંતુ નાગરિકતા અને બંધારણીય જવાબદારીનો અભિન્ન હિસ્સો છે. તેમણે કહ્યું, "જો કોઈ વિદ્યાર્થી સત્તા સામે સવાલ ઉઠાવે અથવા અલગ વિચારો ધરાવે, તો તેને ડરાવી-ધમકાવી ન શકાય. સજાની ધમકી આપવી પણ ગેરબંધારણીય છે. આવું કરવું એ સત્તાનો દુરુપયોગ ગણાશે." તેમણે વધુમાં કહ્યું કે લોકશાહીમાં અસંમતિને સહન કરવી જ જોઈએ, કારણ કે તે લોકશાહીનો પાયો છે.

ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું કે બંધારણીય લોકશાહીમાં સત્તામાં બેઠેલા લોકોએ નાગરિકોનો અવાજ સાંભળવો પડે છે. નાગરિકોએ પણ એકબીજાને સાંભળવું જોઈએ. તેમણે કહ્યું, "આપણું શિક્ષણ અને દર્શનશાસ્ત્ર સહિષ્ણુતા શીખવે છે. આપણું બંધારણ પણ સહિષ્ણુતાને મૂલ્ય તરીકે સ્વીકારે છે. જ્યારે લોકો અલગ-અલગ વિચારો વ્યક્ત કરે અને તેનું આદર સાથે સ્વાગત થાય, ત્યારે લોકશાહી વધુ અર્થપૂર્ણ બને છે."

જસ્ટિસ ભુયાને યુનિવર્સિટીના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે યુનિવર્સિટી એ પ્રથમ સ્થાન છે જ્યાં સ્વતંત્ર રીતે વિચારવાની ટેવ પડે છે. ભારત બુદ્ધ અને ગાંધીની ધરતી હોવાથી અહીં અસહિષ્ણુ વિચારધારાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. બંધારણ બોલવાની, વિચારવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે.

આ જ સંદર્ભમાં, અમેરિકામાં પણ એક સંઘીય અદાલતે વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ સ્વતંત્રતાને ટેકો આપતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેલિફોર્નિયાના ફેડરલ જજ નોએલ વાઇઝે જણાવ્યું કે ઇઝરાયેલની ટીકા કરવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્ર વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાંથી કાઢી શકે નહીં. કોર્ટે અભિવ્યક્તિની સ્વતંત્રતાને અમેરિકન લોકશાહીનો પાયો ગણાવ્યો. આ આદેશથી અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીયો સહિત તમામ વિદેશી વિદ્યાર્થીઓને રાહત મળી છે.

આ બંને ઘટનાઓ દર્શાવે છે કે ન્યાયતંત્ર વિદ્યાર્થીઓને સવાલ પૂછવાના અધિકારને સુરક્ષિત રાખે છે. લોકશાહીમાં પ્રશ્નો પૂછવા અને અસંમતિ વ્યક્ત કરવી એ તંદુરસ્ત સમાજની નિશાની છે. સત્તાના દુરુપયોગથી આ અધિકારને દબાવવાના કોઈપણ પ્રયાસને ન્યાયતંત્ર સ્વીકારતું નથી.