વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે 11 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે. બંને દેશોએ પોતાની વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે સંસ્કૃતિ, આયુર્વેદ, ખનિજ સંસાધનો, પર્યટન, શિક્ષણ, પર્યાવરણ અને ડિજિટલ ચુકવણી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટેની 5 મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે.
આ સમજૂતીઓમાં સૌથી નોંધપાત્ર ગુજરાત રાજ્ય અને ઉઝબેકિસ્તાનના સમરકંદ ક્ષેત્ર વચ્ચે ભાગીદારી સ્થાપિત કરવાની છે. આ ભાગીદારીથી બંને પ્રદેશો વચ્ચે વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.
અન્ય સમજૂતીઓમાં વર્ષ 2026-30 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ, ઉઝબેકિસ્તાનના ટર્મેઝ વિસ્તારમાં આવેલા પ્રાચીન બૌદ્ધ સ્થળો ફયાઝ ટીપા અને કરા ટીપાના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટેનો સહયોગ, રાષ્ટ્રીય અભિલેખાગાર ક્ષેત્રે સહયોગ, આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા, ભૂવિજ્ઞાન અને ખનિજ સંસાધનો, પર્યટન ભાગીદારી, રાજદ્વારી તાલીમ, આર્થિક-નાણાકીય સંવાદ, પર્યાવરણ સંરક્ષણ અને ઉચ્ચ શિક્ષણ-વૈજ્ઞાનિક સંશોધનનો સમાવેશ થાય છે.
જાહેર કરાયેલી 5 મોટી યોજનાઓમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા, અરલ સાગર વિસ્તારમાં વનીકરણ માટે 10 લાખ અમેરિકી ડોલરની ગ્રાન્ટ, 100 હિન્દી ભાષા સ્કોલરશિપ, તાશકંદ સ્ટેટ યુનિવર્સિટી ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં ICCR સંસ્કૃત ચેરની સ્થાપના અને ઉઝબેકિસ્તાનમાં UPI ચુકવણી પ્રણાલીનો વિસ્તાર સામેલ છે.
UPI પ્રણાલીના વિસ્તરણથી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રીય QR કોડ UZQRને ભારતીય UPI એપથી સ્કેન કરીને વેપારી ચુકવણી કરી શકાશે. આ પગલું ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના ક્ષેત્રમાં ભારત-ઉઝબેકિસ્તાન સહયોગને વધુ મજબૂત બનાવશે.
નિષ્ણાતોના મતે આ સમજૂતીઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી દિશા આપશે અને આર્થિક, શૈક્ષણિક તથા ટેકનોલોજી ક્ષેત્રે નવી તકો ઊભી કરશે.