કેન્દ્ર સરકારે દેશમાં 5G નેટવર્કના કવરેજને વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે મોબાઈલ નેટવર્કના રેડિયેશન નિયમોમાં છૂટછાટ આપતા, 5G બેઝ ટાવર સ્ટેશનની પાવર ડેન્સિટીની મર્યાદા 5 વોટ પ્રતિ ચોરસ મીટરથી વધારીને 10 વોટ પ્રતિ ચોરસ મીટર કરી છે. આ નિર્ણયથી સિગ્નલની રેન્જમાં વધારો થશે, જેનો સીધો લાભ યુઝર્સને મળશે.
હાલમાં ઘણા વિસ્તારોમાં 5G નેટવર્કની સમસ્યા જોવા મળે છે, ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં ટાવરનું અંતર વધુ હોય છે. ટાવરથી જેમ અંતર વધે તેમ સિગ્નલ નબળાં પડી જાય છે. આને કારણે ટેલિકોમ કંપનીઓને દર થોડા અંતરે નવા ટાવર લગાવવા પડતા હતા, જેનો ખર્ચ વધી જતો હતો. સરકારે હવે રેડિયેશનની મર્યાદામાં છૂટછાટ આપી છે, જેનાથી એક જ ટાવર વધુ મોટા વિસ્તારને કવર કરી શકશે.
નવા નિયમો આવતા મહિનાથી લાગુ થશે. આ નિર્ણય ટેલિકોમ ઈન્ડસ્ટ્રીની લાંબા સમયથી ચાલી આવતી માંગ હતી. કંપનીઓનું કહેવું છે કે જૂની કડક મર્યાદાઓ 5G નેટવર્કના વિસ્તરણમાં અવરોધ બની રહી હતી. ભારત અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ધોરણોની તુલનામાં ખૂબ કડક રેડિયેશન નિયમોનું પાલન કરતું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતમાં શરૂઆતમાં પાવર ડેન્સિટીની મર્યાદા 1 વોટ પ્રતિ ચોરસ મીટર હતી. ગયા વર્ષે તેને વધારીને 5 વોટ કરવામાં આવી હતી. હવે તેને વધારીને 10 વોટ પ્રતિ ચોરસ મીટર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કમિશન ઓન નોન-આયોનાઈઝિંગ રેડિયેશન પ્રોટેક્શન (ICNIRP) દ્વારા નક્કી કરવામાં આવતી મર્યાદા પણ 10 વોટ જ છે. આથી ભારત હવે વૈશ્વિક ધોરણો સાથે સુસંગત થઈ ગયું છે. ICNIRP વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને આરોગ્ય અને પર્યાવરણ પર ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ (EMF)ની અસર અંગે સલાહ આપે છે.
નવા નિયમોથી મોબાઈલ ઓપરેટર્સને ઘણો ફાયદો થશે. હવે તેઓ ઓછા ટાવર લગાવીને પણ મોટા વિસ્તારમાં નેટવર્ક આપી શકશે. આનાથી કેપિટલ એક્સપેન્ડિચર અને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. ખાસ કરીને જે કંપનીઓ હાલમાં 5G નેટવર્કનો વિસ્તાર કરી રહી છે, તેમને આ નિર્ણયથી રાહત મળશે. વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ જેવી કંપનીઓ પોતાના નેટવર્ક પ્લાનમાં આ નવી મર્યાદાનો લાભ લઈ શકશે.
યુઝર્સને પણ ઝડપી ઈન્ટરનેટ સ્પીડ મળશે. અત્યારે ઘણી જગ્યાએ 5G હોવા છતાં સ્લો સ્પીડની સમસ્યા સામે આવે છે. નવી મર્યાદાથી સિગ્નલ વધુ દૂર સુધી પહોંચશે, જેનાથી નેટવર્ક કવરેજ સુધરશે અને સ્પીડ સાથે જોડાયેલી સમસ્યા ઘટશે.
ભારતનો આ નવો નિયમ દુનિયાના લગભગ 137 દેશો સાથે મેળ ખાય છે. આમાં યુરોપિયન યુનિયનના મોટાભાગના દેશો, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોરનો સમાવેશ થાય છે. વૈશ્વિક ધોરણોને અપનાવવાથી ભારતમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળશે.
સરકારનો આ નિર્ણય ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક સકારાત્મક પગલું માનવામાં આવે છે. આનાથી દેશમાં ડિજિટલ ક્રાંતિને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. જોકે, સાથે જ એ સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે કે રેડિયેશન સલામતીના ધોરણો ન્યાયી રહે અને જનતાના આરોગ્ય સાથે ચેડા ન થાય.