યુનાઈટેડ નેશન્સના નેતૃત્વ હેઠળ થયેલા એક નવા અભ્યાસમાં હિંદુકુશ હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) એટલે કે હિમનદીનાં તળાવો ફાટવાની ઘટનાઓમાં ભારતમાં સૌથી વધુ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું છે. 1835થી 2025 દરમિયાનના આંકડા ધરાવતા આ અભ્યાસ મુજબ ભારતમાં આવી 62 ઘટનાઓમાં 6119 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ચીન અને પાકિસ્તાનમાં ઘટનાઓ વધુ હોવા છતાં મૃત્યુઆંક ઓછો નોંધાયો છે.
યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટી ઈન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ હ્યુમન સિક્યુરિટી (UNU-EHS) દ્વારા પ્રકાશિત આ અભ્યાસમાં હિંદુકુશ હિમાલય ક્ષેત્રના આઠ દેશોના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તે મુજબ આ સમયગાળામાં ચીનમાં સૌથી વધુ 199 GLOF ઘટનાઓ બની છે, જેમાં 625 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં 152 ઘટનાઓમાં 1991 લોકોએ જીવ ગુમાવ્યા છે. નેપાળમાં 58 ઘટનાઓ નોંધાઈ છે. ભારતમાં ઘટનાઓની સંખ્યા 62 છે, જે ત્રીજા સ્થાને છે, પરંતુ મૃત્યુઆંક સૌથી ઊંચો છે.
અભ્યાસના મુખ્ય લેખક અને વિજ્ઞાની દીપેશ છાપાગાંઈ જણાવે છે કે 1950 પછી આબોહવા પરિવર્તનના કારણે GLOFની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સરેરાશ દર દાયકામાં 34 જેટલી ઘટનાઓ બની રહી છે, જે અગાઉના દાયકાઓ કરતાં પાંચ ગણી વધારે છે. ગ્લેશિયરો ઓગળવાને કારણે ઊંચાઈવાળા વિસ્તારોમાં તળાવોનું નિર્માણ થાય છે અને તે ફાટવાનું જોખમ વધી રહ્યું છે.
અભ્યાસ મુજબ GLOFની લગભગ 50 ટકા ઘટનાઓ હિમસ્ખલનના કારણે થાય છે, જ્યારે 25 ટકા ઘટનાઓ અતિભારે વરસાદને કારણે સર્જાય છે. 70 ટકા ઘટનાઓ ચોમાસાના મહિનાઓમાં બને છે, જ્યારે તાપમાન અને વરસાદ બંને પોતાના ચરમસીમાએ હોય છે. પહાડી વિસ્તારોમાં બરફ અને કાંકરા-પથ્થરોથી બનેલા કુદરતી બંધો પર પાણીનું દબાણ વધીને અચાનક તૂટી પડે છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં વિનાશક પૂર આવે છે.
ભારતમાં ઘટનાઓ ઓછી હોવા છતાં મૃત્યુઆંક ઊંચો હોવાનું કારણ નબળી સુરક્ષા વ્યવસ્થા અને ઊંચી વસ્તી ઘનતા ગણાવ્યું છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે 2023માં સિક્કિમ અને પશ્ચિમ બંગાળની તીસ્તા નદીમાં આવેલા પૂર અને 2025ની ચમોલી ઘટના પછી પણ યોગ્ય સબક લેવામાં આવ્યો નથી. જો ગ્લેશિયર ક્ષેત્રમાં આગોતરા પગલાં નહીં લેવાય, તો આગામી સમયમાં મોટી હોનારત આવી શકે છે.
આ અભ્યાસ ગ્લેશિયર તળાવોની વ્યવસ્થિત દેખરેખ, પ્રારંભિક ચેતવણી પ્રણાલી અને સ્થાનિક સમુદાયોની તૈયારી વધારવાની ભલામણ કરે છે. હિમાલયના દેશો માટે આ મુદ્દો અત્યંત ગંભીર છે, કારણ કે આબોહવા પરિવર્તનને કારણે ભવિષ્યમાં આવી ઘટનાઓ વધુ વાર બની શકે છે.