Because Every Second Is Breaking News.

ચોમાસાના અંતિમ તબક્કે ગુજરાતમાં વરસાદની ખાધ, ખરીફ પાક પર કટોકટી

ચોમાસાના અંતિમ તબક્કે ગુજરાતમાં વરસાદની ખાધ, ખરીફ પાક પર કટોકટી

ગુજરાતમાં ચોમાસાની ઋતુ હવે અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૭૫.૨૫% વરસાદ નોંધાયો છે, જ્યારે ખરીફ વાવેતર ૯૨.૦૮% થઈ ચૂક્યું છે. વરસાદની ખાધને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાક સૂકવવા લાગ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ૭૮.૫૫ લાખ હેક્ટરમાં વાવેલો ખરીફ પાક નિષ્ફળ જવાનો ખતરો છે.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ હતી, પરંતુ પ્રથમ રાઉન્ડના સારા વરસાદથી ખેડૂતોએ વાવણીમાં ઉત્સાહ દેખાડ્યો. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ મુજબ ખરીફ સિઝનમાં સામાન્ય રીતે ૮૫.૩૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. આ વર્ષે અત્યાર સુધી તેલીબિયાં, ધાન્ય, કઠોળ અને અન્ય પાકો મળીને ૭૮.૫૫ લાખ હેક્ટરમાં વાવણી નોંધાઈ છે, જે સરેરાશ કરતાં ઓછી છે, પરંતુ ખેડૂતોએ પોતાની જમીનના ૯૨ ટકા ભાગમાં વાવણી કરી દીધી છે.

ઝોન મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૩૬.૬૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં ૧૬.૫૩ લાખ હેક્ટર, મધ્ય ગુજરાતમાં ૧૪.૩૫ લાખ હેક્ટર, દક્ષિણ ગુજરાતમાં ૬.૪૧ લાખ હેક્ટર અને કચ્છમાં ૪.૩૩ લાખ હેક્ટરમાં વાવણી થઈ છે.

વરસાદની સ્થિતિ ઝોન પ્રમાણે અસમાન છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ ૫૦૦ મીમીની સામે માત્ર ૧૪૬ મીમી વરસાદ નોંધાયો છે, જે ૨૯.૨૯% છે. ઉત્તર ગુજરાતમાં ૭૩૦ મીમીની સામે ૪૧૦ મીમી (૫૬.૨૩%), મધ્ય-પૂર્વ ગુજરાતમાં ૮૧૯ મીમીની સામે ૬૧૩ મીમી (૭૪.૯૧%), સૌરાષ્ટ્રમાં ૭૬૨ મીમીની સામે ૪૨૬ મીમી (૫૬.૦૧%) વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૫૪૨ મીમીની સામે ૧૫૯૪ મીમી વરસાદ થયો છે, જે ૧૦૩.૪૦% છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો હાલત વધુ ગંભીર છે. દેવભૂમિ દ્વારકામાં ૯૩.૫૯% ઓછો વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં ૮૧.૮૮%, જામનગરમાં ૭૧.૧૨%, કચ્છમાં ૭૦.૭૧%, અરવલ્લીમાં ૫૩.૭૮%, સાબરકાંઠામાં ૫૩.૩૯%, ગીર સોમનાથમાં ૫૩.૩૮% અને રાજકોટમાં ૫૨.૯૧% વરસાદની ખાધ છે.

પાક મુજબ વાવેતરની વાત કરીએ તો મગફળી ૨૦.૬૩ લાખ હેક્ટરમાં વાવવામાં આવી છે, જે સરેરાશ કરતાં ૧૦૪.૭૩% છે. સોયાબીન ૩.૦૩ લાખ હેક્ટરમાં (૧૦૪.૮૦%) અને અડદ ૦.૮૭ લાખ હેક્ટરમાં (૧૦૮.૮૯%) વાવવામાં આવ્યા છે. કપાસ ૨૧.૪૧ લાખ હેક્ટરમાં વાવ્યો છે, જે ૮૯.૮૪% છે. આ પાક હાલ વરસાદના અભાવે સૌથી વધુ જોખમમાં છે.

નિષ્ણાતોના મતે, જો આગામી બે-ત્રણ દિવસમાં વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાકનું નુકસાન અટકાવવું મુશ્કેલ બની જશે. ખેડૂતો સહિત વહીવટીતંત્રે સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. હાલમાં પાણીની સ્થિતિ પણ ચિંતાજનક છે, જેના કારણે પાકને સિંચાઈ પૂરી પાડવાની પણ સમસ્યા સર્જાઈ શકે છે.

આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી હોવા છતાં લાંબા અંતરાલ બાદ વરસાદ ન થવાથી પરિસ્થિતિ બગડી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ તે કટોકટી દૂર કરવા પૂરતો નથી. જે ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું છે, તેમની આશા હવે અંતિમ તબક્કાના વરસાદ પર ટકી છે.