ગુજરાતમાં ચોમાસાની ઋતુ પૂરી થવામાં હવે 25-30 દિવસ બાકી છે, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના 17 જિલ્લાઓમાં 3થી 87 ટકા સુધી વરસાદની ઘટ છે. આમાં સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લાઓમાં જોવા મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ તટીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો ઉત્તરીય ભાગ મોટે ભાગે સૂકો રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંતો અલ નીનોની તીવ્રતા અને તેની ચોમાસા પર પડેલી વિપરીત અસરને કારણે આગામી અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો સૌરાષ્ટ્ર વિસ્તારને દુકાળ જાહેર કરવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. સપ્ટેમ્બર અંત અથવા ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લે છે, ત્યાં સુધીમાં સારો વરસાદ નહીં થાય તો ખેતી અને પાણી પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને આગામી દિવસોમાં પણ હવામાન સૂકું અને વાદળછાયું રહેવાની આગાહી છે. રાજ્યના ઘણા ભાગોમાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાઈ શકે છે.
આ સ્થિતિને ધ્યાનમાં લેતાં સરકારે દુકાળ જાહેર કરવા સહિતના પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં વરસાદની સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી છે, જે ખેડૂતો અને સ્થાનિક વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય છે.