Because Every Second Is Breaking News.

ગુજરાતમાં નવજાત શિશુ મૃત્યુમાં વધારો, 2024માં 12,492 મોત

ગુજરાતમાં નવજાત શિશુ મૃત્યુમાં વધારો, 2024માં 12,492 મોત

કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2021માં નવજાત શિશુ મૃત્યુની કુલ સંખ્યા 11,815 હતી. વર્ષ 2024માં આ સંખ્યા વધીને 12,492 થઈ છે. ત્રણ વર્ષના સમયગાળામાં આમ 677 વધારાના મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 34 નવજાત શિશુઓનાં મોત થઈ રહ્યાં છે.

આ રિપોર્ટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બાળ મૃત્યુ દરમાં પણ મોટો તફાવત દર્શાવે છે. વર્ષ 2024માં 1 થી 4 વર્ષની વયના બાળકોનાં મૃત્યુ શહેરી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોની સરખામણીમાં ત્રણ ગણા વધુ થયાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં 851, જ્યારે શહેરી વિસ્તારોમાં 2,379 બાળકોનાં મૃત્યુ નોંધાયાં છે. શહેરોમાં સ્લમ વસ્તી, આરોગ્ય સેવાનો અભાવ અને કુપોષણનું પ્રમાણ જવાબદાર પરિબળ મનાય છે.

શહેરની વાત કરીએ તો, વર્ષ 2024માં અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવજાત શિશુ મૃત્યુ નોંધાયા છે. રાજકોટમાં 1,244, સુરતમાં 1,552 અને વડોદરામાં 1,252 મૃત્યુ થયાં છે. આ આંકડા દર્શાવે છે કે માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં, પરંતુ મોટા શહેરોમાં પણ બાળ આરોગ્ય અંગે ગંભીર ચિંતા છે.

જાતિ આધારિત માહિતી જોઈએ તો, વર્ષ 2024માં ગ્રામ્ય વિસ્તારમાં 718 છોકરાઓ અને 504 છોકરીઓનાં મોત થયાં હતાં, જ્યારે શહેરી વિસ્તારમાં 6,632 છોકરાઓ અને 4,632 છોકરીઓએ જીવ ગુમાવ્યો હતો. આમ, કુલ મળીને 7,352 છોકરાઓ અને 5,136 છોકરીઓનાં મૃત્યુ થયાં, એટલે કે છોકરાઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધુ છે. વર્ષ 2021માં પણ આ જ પેટર્ન જોવા મળી હતી: ગ્રામ્ય વિસ્તારમાં 1,181 છોકરાઓ અને 829 છોકરીઓ, જ્યારે શહેરી વિસ્તારમાં 5,773 છોકરાઓ અને 4,083 છોકરીઓનાં મોત નોંધાયાં હતાં.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અધૂરા મહિને જન્મ, જન્મજાત ખામી, સેપ્સિસ અને ન્યુમોનિયા જેવા ગંભીર ચેપ આ મૃત્યુના મુખ્ય કારણો છે. ગ્રામીણ હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાતોની જગ્યાઓ ખાલી છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે અને સમયસર સારવાર માટે ગામડાથી શહેર સુધી પહોંચવામાં થતો વિલંબ પણ જીવલેણ સાબિત થાય છે.

ગુજરાત સરકાર કુપોષણ નાબૂદી અને બાળ કલ્યાણ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. આંગણવાડી કાર્યક્રમ, પોષ્ટિક આહાર યોજના જેવી પહેલો ચાલુ છે. છતાં, નવજાત મૃત્યુના આ આંકડા દર્શાવે છે કે યોજનાઓનો લાભ જરૂરતમંદો સુધી પહોંચવામાં ક્યાંક તકલીફ છે. આરોગ્ય તંત્રની કામગીરીમાં સુધારો, કર્મચારીઓની તાલીમ અને જાહેર આરોગ્ય સેવાઓમાં વધારો એ અત્યંત જરૂરી છે.

નિષ્ણાતો માને છે કે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે ગર્ભવતી મહિલાઓના પોષણ પર ધ્યાન આપવું, સમય પૂર્વે થતા જન્મની સંભાળ, નવજાત શિશુ માટે વિશેષ સારવાર એકમ અને 108 જેવી ઈમરજન્સી સેવાઓની સુલભતા વધારવી જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસો વગર આ સમસ્યાનો ઉકેલ મુશ્કેલ છે.