Because Every Second Is Breaking News.

ગુજરાત સરકાર ખાનગી શાળા-કોલેજના NCC કેડેટ્સનો કેમ્પ ખર્ચ ભોગવશે

ગુજરાત સરકાર ખાનગી શાળા-કોલેજના NCC કેડેટ્સનો કેમ્પ ખર્ચ ભોગવશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ખાનગી શાળા અને કોલેજોના રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાષ્ટ્રીય NCC કેમ્પોમાં ભાગ લેનાર ખાનગી શાળા-કોલેજના વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી સરકારી શાળા અને કોલેજોના NCC કેડેટ્સને રાષ્ટ્રીય કેમ્પોમાં જવા માટે કેન્દ્ર સરકાર તરફથી ખર્ચ આપવામાં આવતો હતો. પરંતુ ખાનગી શાળા-કોલેજના વિદ્યાર્થીઓને આ સુવિધા મળતી ન હતી. પરિણામે, તેમણે પોતાના ખર્ચે કેમ્પમાં જવું પડતું હતું, અથવા ખાનગી શાળા-કોલેજને ખર્ચ ભોગવવો પડતો હતો. આ નિર્ણયથી આર્થિક બોજને કારણે કેમ્પમાં જોડાઈ ન શકતા તેજસ્વી વિદ્યાર્થીઓને સમાન તક મળશે.

રાષ્ટ્રીય કેમ્પોમાં રિપબ્લિક ડે કોન્ટિન્જેન્ટ, થલ સૈનિક કેમ્પ, યુથ એક્સચેન્જ પ્રોગ્રામ, વાયુ સૈનિક કેમ્પ, નેવી સૈનિક કેમ્પ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ કેમ્પો માટે સરકારી શાળાના વિદ્યાર્થીઓને મિસિંગ, ટ્રાવેલિંગ જર્ની રેશન, ઈન્સિડેન્ટલ, પીઓએલ ચાર્જીસ સહિતના ભથ્થા કેન્દ્ર સરકાર ચૂકવે છે. પરંતુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આ ભથ્થું આપવામાં આવતું ન હતું. આથી ખાનગી કોલેજ-શાળાના ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યા છતાં આર્થિક કારણોસર કેમ્પમાં જવાનું ટાળતા હતા.

રાષ્ટ્રીય કેમ્પોમાં પસંદગી માટે કેડેટ્સે અંદાજે ચાર-પાંચ સ્પર્ધાત્મક કેમ્પોમાં ભાગ લેવાનો હોય છે. આ પ્રક્રિયામાં મુસાફરી અને અન્ય ખર્ચ થાય છે. ખાનગી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે આ ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બનતો હતો. હવે રાજ્ય સરકાર આ તમામ ખર્ચ ભોગવશે. આ માટે NCC નિયામક કચેરીએ સરકારને દરખાસ્ત કરી હતી, જેને મંજૂરી આપતા શિક્ષણ વિભાગે ઠરાવ પસાર કર્યો છે.

ઠરાવ મુજબ, ખાનગી શાળા-કોલેજના કેડેટ્સને સરકારી શાળાના કેડેટ્સની જેમ જ ભથ્થા મંજૂર કરવામાં આવશે. આ ખર્ચનો 100% હિસ્સો રાજ્ય સરકાર ઉઠાવશે. આ નિર્ણયથી NCCમાં જોડાતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. સમાન તકના સિદ્ધાંતને અનુસરતો આ નિર્ણય ગુજરાતના યુવાનોને રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા દેખાડવાનો માર્ગ ખોલશે.