Because Every Second Is Breaking News.

ગુજરાતમાં મફત રેશન લાભાર્થી પરિવારો ચાર વર્ષમાં ત્રણ ગણા, અનાજ વિતરણમાં ઘટાડો

ગુજરાતમાં મફત રેશન લાભાર્થી પરિવારો ચાર વર્ષમાં ત્રણ ગણા, અનાજ વિતરણમાં ઘટાડો

અમદાવાદ: ગુજરાતમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ મફત રાશન મેળવતા પરિવારોની સંખ્યામાં છેલ્લા ચાર વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે આ યોજનાના લાભાર્થી પરિવારોની સંખ્યા લગભગ ત્રણ ગણી થઈ ગઈ છે.

આંકડા મુજબ, 2022-23માં રાજ્યમાં 3,06,026 પરિવારોના 14,48,643 લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. 2025-26માં આ સંખ્યા વધીને 9,20,610 પરિવારો અને 39,65,325 લોકો સુધી પહોંચી છે. આમ, ચાર વર્ષમાં લાભાર્થી પરિવારોમાં 200 ટકાથી વધુનો વધારો થયો છે.

જોકે, રસપ્રદ વાત એ છે કે લાભાર્થીઓની સંખ્યામાં વધારો થવા છતાં વિતરણ કરાતા અનાજનો કુલ જથ્થો ઘટ્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં 136 લાખ મેટ્રિક ટન ઘઉં-ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ વાર્ષિક ધોરણે જોતાં, 2021-22માં 26.91 લાખ મેટ્રિક ટન ઘઉં અને 12.57 લાખ મેટ્રિક ટન ચોખા (કુલ 39.48 લાખ મેટ્રિક ટન) વિતરણ થયું હતું. જ્યારે 2025-26માં ઘઉં 8.76 લાખ ટન, ચોખા 10.45 લાખ ટન અને બરછટ અનાજ 0.88 લાખ ટન (કુલ 20.09 લાખ મેટ્રિક ટન) વિતરણ થયું છે.

આમ, પાંચ વર્ષમાં અનાજ વિતરણનો જથ્થો લગભગ અડધો થઈ ગયો છે. 2023-24માં 21.52 લાખ મેટ્રિક ટન અને 2024-25માં 22.67 લાખ મેટ્રિક ટન અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી, વ્યક્તિ દીઠ મળતા અનાજના જથ્થામાં ઘટાડો થયો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે.

આ મુદ્દે સરકાર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. જોકે, લાભાર્થી વધારા અને વિતરણમાં ઘટાડા અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે. રાજ્યમાં ખાદ્ય સુરક્ષા યોજનાના અમલીકરણ અંગે ચર્ચા શરૂ થઈ છે.