Because Every Second Is Breaking News.

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 3707 કરોડની સાયબર ઠગાઈ, માત્ર 2.6% રકમ જ રિકવર

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 3707 કરોડની સાયબર ઠગાઈ, માત્ર 2.6% રકમ જ રિકવર

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સાયબર ઠગાઈના બનાવોમાં લોકોએ 3707 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ પૈકી માત્ર 97 કરોડ રૂપિયા જ પરત મળ્યા છે, એટલે કે કુલ રકમના 2.6 ટકા જેટલી જ રિકવરી થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગુજરાતમાં સાયબર ગુનાની સંખ્યા ઘટવાને બદલે લોકો ગુમાવેલી રકમમાં સતત વધારો થયો છે.

વર્ષ 2023-24માં રાજ્યમાં 986 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ હતી. ત્યારબાદ 2024-25માં આ આંકડો વધીને 1286 કરોડ થયો હતો, જે 30 ટકાનો વધારો દર્શાવે છે. 2025-26માં પણ 11 ટકાના વધારા સાથે 1435 કરોડ રૂપિયાની ઠગાઈ નોંધાઈ છે. આમ, ત્રણ વર્ષમાં કુલ 3707 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ સમયગાળા દરમિયાન બેંકો અને પોલીસ માત્ર 97 કરોડ રૂપિયા જ પરત કરાવી શક્યાં છે.

નેટ બેંકિંગ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સંબંધિત છેતરપિંડીના ગુનામાં રિકવરી દર અત્યંત ઓછો છે. નિષ્ણાતોના મતે, સાયબર ગુનેગારો પૈસાને એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં તાત્કાલિક ટ્રાન્સફર કરી દે છે, જેના કારણે રિકવરી મુશ્કેલ બને છે. ઉપરાંત, ગુનેગારો મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે, જેમાં તેઓ અન્ય લોકોના ખાતાનો દુરુપયોગ કરે છે.

આ સમસ્યાનો સામનો કરવા ગુજરાત પોલીસે સાયબર ઠગાઈના પૈસા જે ખાતામાં જમા થાય છે તેને ફ્રીઝ કરવાની કાર્યવાહી ઝડપી બનાવી છે. સાયબર ક્રાઈમ પોલીસે બેંકો સાથે સંકલન કરીને ત્રણ લાખ જેટલા મ્યુલ એકાઉન્ટ્સ ફ્રીઝ કર્યા છે. જો કે, ગુનેગારો કાયદાની આંટીઘૂંટીનો લાભ લઈને નવી રીતે ઠગાઈ કરતા રહે છે.

ફરિયાદની પ્રક્રિયા અંગે માહિતી આપતાં જાણવા મળે છે કે 10 લાખ રૂપિયાથી ઓછી રકમની ઠગાઈના કેસમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. જ્યારે 10 લાખથી વધુ રકમની ઠગાઈ હોય તો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવે છે. આ ઉપરાંત, જો પૈસા પરત મેળવવા માટે લાંબો સમય વીતી ગયો હોય, તો કોર્ટમાં અરજી કરવી પડે છે. પ્રારંભિક કલાકોમાં ફરિયાદ કરવામાં આવે તો પૈસા બ્લોક કરીને પરત મેળવવાની શક્યતા વધી જાય છે.

રિઝર્વ બેંકના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે સાયબર ફ્રોડના બનાવોમાં ઘટાડો થયો નથી, પરંતુ ગુમાવેલી રકમમાં સતત વધારો થઈ રહ્યો છે. આ માટે જનજાગૃતિ અને બેંકોની ચેકિંગ પ્રક્રિયામાં સુધારાની જરૂર છે. નિષ્ણાતો સલાહ આપે છે કે લોકોએ ઓનલાઈન વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખવી, અજાણ્યા લિંક પર ક્લિક કરવાનું ટાળવું અને તાત્કાલિક ફરિયાદ કરવી જરૂરી છે.

સાયબર ગુના અંગે જાગૃતિ કેળવવા પોલીસ અને બેંકો દ્વારા સમયાંતરે ઝુંબેશ ચલાવવામાં આવે છે, પરંતુ હજુ પણ લોકો છેતરાતા રહે છે. નિષ્ણાતોના મતે, ગુનેગારો ટેક્નોલોજીમાં બે ડગલાં આગળ રહે છે, તેથી કાયદા અમલીકરણ એજન્સીઓએ પણ નવી તકનીકો અપનાવવી પડશે. આ ઉપરાંત, બેંકોએ ટ્રાન્ઝેક્શન મોનિટરિંગ સિસ્ટમ મજબૂત કરવી પડશે, જેથી શંકાસ્પદ વ્યવહારોને તાત્કાલિક અટકાવી શકાય.