Because Every Second Is Breaking News.

નોઇડાથી દિલ્હી જતી સ્લીપર બસમાં સગીરા પર દુષ્કર્મ, ડ્રાઇવર-કંડક્ટર ધરપકડ

નોઇડાથી દિલ્હી જતી સ્લીપર બસમાં સગીરા પર દુષ્કર્મ, ડ્રાઇવર-કંડક્ટર ધરપકડ

નોઇડાથી દિલ્હી વચ્ચે દોડતી એક ખાનગી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયાનો કિસ્સો બહાર આવ્યો છે. આરોપી બસ ડ્રાઇવર અને કંડક્ટરને પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના 4 ઓગસ્ટની રાત્રે બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી અને 11મા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા પરિવારના કોઈ અણબનાવને કારણે ઘર છોડીને નોઇડામાં રહેતા પિતરાઈ ભાઈના ઘરે જવા નીકળી હતી. ભારે વરસાદ અને અંધારાના કારણે તે ભૂલથી નોઇડાના પરી ચોક વિસ્તારમાં ઉતરી ગઈ હતી.

તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક ખાલી સ્લીપર બસમાં ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપે તેને મદદ કરવાનું કહીને બસમાં બેસાડી લીધી હતી. બસ સુરજપુર વર્કશોપમાંથી રિપેરિંગ પછી કાશ્મીરી ગેટ તરફ જઈ રહી હતી. પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધીની લગભગ 47 કિલોમીટરની મુસાફરી દરમિયાન આરોપીઓએ સગીરા સાથે અશ્લીલ હરકતો કરી અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ વિરોધ કરતા તેને ધમકી આપવામાં આવી હતી.

બસની સ્લીપર ડિઝાઇન અને બારી પર લાગેલા પડદાને કારણે બહારના લોકોને અંદર બની રહેલી ઘટનાની ભન્ન ભાળ મળી નહોતી. દુષ્કર્મ બાદ બંને આરોપીઓએ મોડી રાત્રે સગીરાને કાશ્મીરી ગેટ બસ સ્ટેશન નજીક રિંગ રોડ પર ઉતારી દીધી અને ભાગી ગયા. સગીરાએ હિંમત કરીને પોલીસ સ્ટેશન પહોંચીને આપવીતી જણાવી.

સગીરાની ફરિયાદને આધારે દિલ્હી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. પોલીસ ટીમે તિમારપુર વિસ્તારમાં આવેલી બસ પાર્કિંગમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનામાં વપરાયેલી સ્લીપર બસને જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો કાયદાની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીડિતાનું નિવેદન નોંધી તેને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે. પોલીસ બસ રૂટ પરના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવા એકત્ર કરી રહી છે.