Because Every Second Is Breaking News.

AI અને નોકરીઓ: બિલ ગેટ્સે આપી ચેતવણી, એન્ટ્રી-લેવલ તકો પર ભારે અસર

AI અને નોકરીઓ: બિલ ગેટ્સે આપી ચેતવણી, એન્ટ્રી-લેવલ તકો પર ભારે અસર

કૃત્રિમ બુદ્ધિ (AI) નો ઉપયોગ હવે માત્ર ટેક્નોલોજી ક્ષેત્રમાં જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય, ઉત્પાદન અને સેવા ક્ષેત્રે પણ ઝડપથી વધી રહ્યો છે. આ ટેક્નોલોજીના કારણે ઘણી નોકરીઓ જોખમમાં મુકાઈ છે અને નવી તકો પણ ઊભી થઈ રહી છે. આ વચ્ચે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે AIના કારણે આવનારા મોટા બદલાવ અંગે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે માનવ સમાજ હજુ એવા પરિવર્તન માટે તૈયાર નથી, જે AI આવનારા વર્ષોમાં લાવી શકે છે.

ગેટ્સે પોતાના તાજેતરના બ્લોગ પોસ્ટ ‘The turbulent AI era is here. The choices we make now are critical’માં AIના લાભ અને તેનાથી થનારા જોખમો વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. તેમણે આ સમયગાળાને માનવ ઇતિહાસના સૌથી ઉથલપાથલ ભર્યા યુગ તરીકે ઓળખાવ્યો છે. તેમના મતે AI ડોક્ટરો અને શિક્ષકોને મદદ કરવા, ખેતીમાં સુધારો લાવવા અને સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા જેવા ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક યોગદાન આપી શકે છે. પરંતુ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે આ ટેક્નોલોજીના કારણે થનારા ફેરફારો સાથે તાલમેલ બેસાડવો સમાજ માટે મુશ્કેલ બની શકે છે.

ગેટ્સે AI સાથે જોડાયેલા ત્રણ મુખ્ય જોખમોનો ઉલ્લેખ કર્યો છે. સૌથી મહત્ત્વનો મુદ્દો નોકરીઓ પર પડતી અસર છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે AIની અસર કોઈ એક ક્ષેત્ર સુધી મર્યાદિત નહીં રહે. કાયદો, ગ્રાહક સેવા, દવા, સોફ્ટવેર અને ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) જેવા ક્ષેત્રોમાં પણ AI માનવશક્તિનું સ્થાન લઈ શકે છે. તેમણે લખ્યું છે કે આ ફેરફાર પેઢીઓમાં નહીં, પરંતુ આવનારા એક દાયકામાં જ ઝડપથી દેખાશે.

ગેટ્સ માને છે કે AIના કારણે સૌથી વધુ જોખમ એન્ટ્રી-લેવલ અને મિડ-લેવલ નોકરીઓ માટે છે. AIના વધુ સક્ષમ બનવાથી નવી નોકરીઓ પેદા થશે, પરંતુ તે માટે જરૂરી કૌશલ્ય શીખવામાં વર્ષો લાગી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે AI વેચાણ, ગ્રાહક સહાય, સોફ્ટવેર એન્જિનિયરિંગ, કાયદાકીય સહાય, દવા અને ઉત્પાદન જેવા ક્ષેત્રોને પ્રભાવિત કરશે. જો સાચી નીતિઓ નહીં બનાવવામાં આવે, તો નવી તકોની સંખ્યા આજના રોજગાર કરતાં ઘણી ઓછી રહી શકે છે.

ગેટ્સના મતે AIની અસર ઓફિસમાં કામ કરનારાઓ પૂરતી મર્યાદિત રહેશે નહીં. આ દાયકાના અંત સુધી ‘સ્માર્ટ’ રોબોટ નિર્માણ અને આતિથ્ય (હોસ્પિટાલિટી) જેવા ક્ષેત્રોમાં શારીરિક કામ માટે માનવીઓ સાથે સ્પર્ધા કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે AIના ફેરફારની ઝડપ જ ભવિષ્યને વધુ ચિંતાજનક બનાવે છે.

બિલ ગેટ્સે ખાસ કરીને એવા યુવાનો માટે ચિંતા વ્યક્ત કરી છે, જેઓ આવનારા સમયમાં પ્રથમ વખત નોકરીની શોધમાં આવશે. તેમના મતે AIને કારણે એન્ટ્રી-લેવલ રોજગારીની તકોમાં ઘટાડો થઈ શકે છે, જેથી યુવાનોને કામનો અનુભવ મેળવવામાં અને વરિષ્ઠ સહકર્મીઓ પાસેથી શીખવામાં મુશ્કેલી પડશે. અનુભવનો અભાવ તેમની કારકિર્દીની શરૂઆતને વધુ કઠિન બનાવી શકે છે.

ગેટ્સે બીજા જોખમ તરીકે સાયબર સુરક્ષા સાથે જોડાયેલી ચિંતા વ્યક્ત કરી છે. AI હાલના ડિજિટલ જોખમોને વધુ શક્તિશાળી બનાવી શકે છે. તેમણે છેતરપિંડી, ડીપફેક, ખોટી માહિતી અને સાયબર હુમલા જેવા જોખમોનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે સરકારો પોતાના દુરુપયોગ માટે શક્તિશાળી AI સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે, તેમજ દુષ્ટ હેતુ ધરાવતા લોકોના હાથમાં પણ AIના સાધન સપડાઈ શકે છે.

ત્રીજું જોખમ સામાજિક અને નૈતિક પડકારો સાથે સંકળાયેલું છે. આ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ગેટ્સે નીતિ નિર્માતાઓ માટે તૈયારી રાખવા ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે AIના બદલાવને મેનેજ કરવા માટે એક સ્પષ્ટ યોજના જરૂરી છે, કારણ કે ફેરફાર એટલા ઝડપી હોઈ શકે છે કે સમાજ તેની સાથે અનુકૂલન ન કરી શકે. તેમણે સહાનુભૂતિ અને માનવીય જોડાણની જરૂર હોય તેવી કેટલીક નોકરીઓને માનવીઓ માટે અલગ રાખવાનું સૂચન પણ કર્યું છે.

ગેટ્સે AIના વિકાસને અટકાવવાની માગણી કરી નથી, પરંતુ સાથે જ તેમણે તેના સંભવિત નુકસાનને ઓછું કરવા માટે સમયસર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમનું માનવું છે કે યોગ્ય નીતિઓ અને સામાજિક તૈયારી સાથે AIની શક્તિનો ઉપયોગ માનવજાતની ભલાઈ માટે થઈ શકે છે.