દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેન્સરની નકલી દવાઓના વેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે કેન્સરના દર્દીઓને આશરે એક લાખ રૂપિયામાં વેચવામાં આવતા ઈન્જેક્શનમાં માત્ર પાણી હતું, દવાનો કોઈ અસરકારક ઘટક નહોતો. આ રેકેટ દેશના સાત રાજ્યોમાં ફેલાયેલું હતું અને તેની કિંમત આશરે નવ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઈન્જેક્શનનું નામ 'એવાલુમૅબ' છે, જેનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. ઉત્પાદક કંપનીએ જર્મનીની પ્રયોગશાળામાં જ્યારે આ ઈન્જેક્શનની તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે તેમાં કેન્સર સામે લડતો મૂળ ઘટક ગાયબ છે. આ સિવાય રાજસ્થાન સરકારની યોજના હેઠળ કેન્સરના દર્દીઓને મફત આપવામાં આવતી દવાઓ પણ ગેરકાયદેસર રીતે કાળા બજારમાં વેચાઈ રહી હોવાનું પણ બહાર આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે 20 ઓગસ્ટના રોજ દેશના સાત રાજ્યોમાં દરોડા પાડીને આ નેટવર્કનો પર્દાફાશ કર્યો. દરોડા દરમિયાન 588 ભરેલા એન્ટી-કેન્સર વાયલ, 6 ખાલી વાયલ, 7 ખાલી બોક્સ અને અન્ય દવાઓના 3021 યુનિટ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસને રૂ. 50 લાખની રોકડ રકમ પણ મળી છે. જપ્ત કરાયેલી દવાઓમાં ડાર્જાલેક્સ, ઇમફિંજી, એરબિટક્સ, ઓપડાઇટા અને કીટ્રૂડા જેવી મોંઘી દવાઓનો સમાવેશ થાય છે.
આ ગેંગનું નેટવર્ક દિલ્હી-એનસીઆર, મુંબઈ, હૈદરાબાદ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલું હતું. પોલીસ તપાસ અનુસાર, આ સિન્ડિકેટને દવાઓ પહોંચાડવાના ત્રણ મુખ્ય સ્ત્રોત હતા: પહેલો, ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલી નકલી દવાઓ; બીજો, હોસ્પિટલોમાંથી કેન્સરના દર્દીઓ માટે રાખવામાં આવતી દવાઓની ચોરી કે હેરાફેરી; અને ત્રીજો, સરકારી સંસ્થાઓ અને ગોડાઉનમાંથી સરકારી સપ્લાયની દવાઓ બહાર કાઢવી.
આ દવાઓને કોઈ કાયદેસરનું બિલ, લાયસન્સ કે ખરીદ રેકોર્ડ વગર ઘરોમાં રાખવામાં આવતી હતી. જૂના અને અસલી બોક્સમાંથી રંગ અથવા એસીટોન જેવા રસાયણના મદદથી જૂનો બેચ નંબર અને છાપ ભૂંસી નાખી નવું પેકિંગ તૈયાર કરવામાં આવતું. આ રીતે દવાઓ નવી લાગે તે રીતે ફરીથી પેક કરવામાં આવતી.
આ રેકેટમાં નોઇડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ઝજ્જર, ફરીદાબાદ, મુંબઈ અને હૈદરાબાદના લોકો સામેલ હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપી ડૉ. મનીષ શર્માની ધરપકડ બાદ પોલીસ તપાસ કરી રહી છે કે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ દવાઓ દેશભરમાં ક્યાં સુધી પહોંચાડવામાં આવી છે. સમગ્ર સપ્લાય ચેઈન અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આ ઘટના સામે આવતા કેન્સરના દર્દીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. નકલી દવાઓ આરોગ્ય માટે અત્યંત જોખમી છે અને તેનાથી દર્દીની સારવાર પર સીધી અસર પડે છે. નિષ્ણાંતોના મતે, દવાની ખરીદી હંમેશા લાયસન્સ ધરાવતી દુકાનોમાંથી જ કરવી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં કાળા બજારમાંથી ખરીદી ન કરવી. આ સાથે સરકારી દવા વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની પણ જરૂર છે.