રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ પ્રમુખ મોહન ભાગવત અમેરિકા પહોંચ્યા છે. તેઓ ૨૯ ઓગસ્ટના રોજ ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં 'યુનિવર્સલ વનનેસ' નામના કાર્યક્રમમાં લગભગ ૫,૦૦૦ ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ આયોજન આરએસએસના આંતરરાષ્ટ્રીય સંપર્ક અભિયાનનો ભાગ છે, જેના ભાગરૂપે તેઓ અમેરિકા બાદ કેનેડા અને યુકેની પણ મુલાકાત લેશે.
જોકે, આ કાર્યક્રમને લઈને ન્યૂયોર્કના રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિરોધ સામે આવ્યો છે. ન્યૂયોર્ક સિટીના પ્રથમ ભારતીય-અમેરિકન મેયર જોહરાન મામદાનીએ આ આયોજન અંગે સ્પષ્ટ વાંધો વ્યક્ત કર્યો છે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, તેઓ આ પ્રકારના કાર્યક્રમનું સમર્થન નથી કરતા. જો કે, કોઈ ખાનગી આયોજનને રદ કરવાનો અધિકાર સિટી તંત્ર પાસે છે કે નહીં, તે અંગી તેઓ સ્પષ્ટ નથી.
મેયર મામદાનીએ ભારતના બંધારણીય મૂલ્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારત એક બહુલવાદી સમાજ અને ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક દેશ છે, જે દરેક નાગરિકની ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે. કોઈપણ દેશમાં બહિષ્કાર અને ભેદભાવ પર આધારિત વિચારધારાનો ઉદભવ ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું. એક ભારતીય-અમેરિકન અને ન્યૂયોર્કના મેયર તરીકે તેઓ આવી વિચારધારાનો વિરોધ કરે છે.
વિરોધ માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતો સિમિત નથી. 'હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ', 'ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ' અને 'ઇન્ટરફેથ સેન્ટર ઓફ ન્યૂયોર્ક' જેવા નાગરિક સંગઠનોએ સિટી હોલની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ સંગઠનોએ મેડિસન સ્ક્વેર ગાર્ડનના વહીવટીતંત્રને આયોજન રદ કરવાની માંગ કરી છે.
બીજી તરફ, આ કાર્યક્રમના આયોજક 'અહેડ ફોરમ' દ્વારા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવામાં આવી છે કે 'યુનિવર્સલ વનનેસ' કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિશ્વને એકતાના સૂત્રમાં બાંધવાનો છે. આયોજકો 'વસુધૈવ કુટુંબકમ્' નો સંદેશ આપવાની વાત કરી રહ્યા છે.
આ પ્રવાસ આરએસએસના ૧૦૦ વર્ષ પૂરા થવાના સંદર્ભમાં થઈ રહ્યો છે. સંઘ પ્રમુખની આંતરરાષ્ટ્રીય મુલાકાતો ભારતીય સમુદાય સાથે સંવાદ અને સંગઠનના વૈશ્વિક જોડાણને મજબૂત કરવાના હેતુથી થઈ રહી છે. સમગ્ર ઘટનાક્રમમાં અમેરિકામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યોના સંદર્ભમાં આ વિરોધને જોવામાં આવી રહ્યો છે.