પશ્ચિમ રેલવેએ મુસાફરોના સમયની બચત માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાતમાંથી પસાર થતી 21 સહિત કુલ 23 લોકપ્રિય ટ્રેનોને હવે 130 કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિએ દોડાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી આ ટ્રેનો 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી.
આ નિર્ણય 22 ઓગસ્ટ, 2026ના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. નવી ઝડપ લિમિટથી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત વચ્ચે મુસાફરી કરતા લોકોને લાભ થશે. લાંબા અંતરની મુસાફરીમાં સમય ઘટવાથી મુસાફરોનો સમય બચશે.
ઝડપ વધારવા માટે સલામતીના ધોરણો પણ સખત રાખવામાં આવ્યા છે. 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવા માટે પ્લેટફોર્મની લંબાઈ, મુસાફરોની સલામતી અને કોચની ટેકનિકલ જરૂરિયાતો નક્કી કરવામાં આવી છે. એક એન્જિન અને 22 એલએચબી કોચ ધરાવતી ટ્રેન માટે ઓછામાં ઓછું 551 મીટર લાંબું પ્લેટફોર્મ જરૂરી બનશે. દિવ્યાંગ મુસાફરો માટે એલએસએલઆરડી કોચ પણ ઉપલબ્ધ કરાશે. એચઓજી સિસ્ટમના યોગ્ય સંચાલન માટે એન્જિન, હેડ-ઓન-જનરેશન અને રેક વચ્ચે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ-પટના એક્સપ્રેસ (ટ્રેન નંબર 19421-22)માં પણ ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં અત્યારે 20 કોચ છે, તેને વધારીને 22 કરવામાં આવશે. આ કોચ એલએચબી પ્રકારના હશે અને ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.
જે ટ્રેનોની ઝડપ વધારવામાં આવી છે તેમાં 12927-28 દાદર-એકતાનગર સુપરફાસ્ટ, 12971-72 બાંદ્રા-ભાવનગર એક્સપ્રેસ, 19255-56 સુરત-મહુવા સુપરફાસ્ટ, 22945-46 મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેલ, 12959-60 બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ, 12965-66 બાંદ્રા-ભુજ સાપ્તાહિક, 19259-60 કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ, 20483-84 ભગતકી કોઠી-દાદર સુપરફાસ્ટ, 14707-08 રણકપુર એક્સપ્રેસ, 14701-02 અમરાપુર અરવલ્લી એક્સપ્રેસ, 20909-10 કોચુવેલી-પોરબંદર સુપરફાસ્ટ, 12987-98 બાંદ્રા-બાડમેર હમસફર એક્સપ્રેસ, 22901-02 બાંદ્રા-ઉદયપુર સુપરફાસ્ટ, 22955-56 બાંદ્રા-ભુજ કચ્છ સુપરફાસ્ટ, 22195-96 ઝાંસી-બાંદ્રા સુપરફાસ્ટ, 16337-38 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ, 16613-14 રાજકોટ-કોયમ્બતૂર એક્સપ્રેસ, 19203-04 બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક, 19711-12 જયપુર-ભોપાલ એક્સપ્રેસ, 20957-58 ઈન્દોર-હિસાર સુપરફાસ્ટ, 22963-64 બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક, 20951-52 ઓખા-જયપુર સાપ્તાહિક, 19309-10 શાંતિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
આ ટ્રેનોમાંથી ઘણી લાંબા અંતરની છે, જેમ કે ઓખા-એર્નાકુલમ, રાજકોટ-કોયમ્બતૂર, કોચુવેલી-પોરબંદર જેવા દક્ષિણ ભારત સુધી જાય છે. આ ટ્રેનોની ઝડપ વધવાથી ગુજરાત અને દક્ષિણ ભારત વચ્ચેની મુસાફરી પણ ઝડપી બનશે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના માર્ગ પર આવતા બેન્ડ વિસ્તારોમાં પણ ઝડપ મર્યાદાને અનુરૂપ ટ્રેક અને સિગ્નલ સિસ્ટમની તપાસ કરવામાં આવશે.
રેલવે દ્વારા 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવા માટે ટ્રેક, ઓવરબ્રિજ અને અંડરપાસની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જ્યાં જરૂર પડશે ત્યાં ટ્રેકનું નવીનીકરણ અથવા ઝડપ મર્યાદાના ચિહ્નો ફેરવવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત, લોકોને સલામતી પ્રત્યે જાગૃત કરવા માટે લેવલ ક્રોસિંગ પર પણ કડક નિયમો લાગુ કરવામાં આવશે.