ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં મોટા ફેરફારની તૈયારી કરી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) Gen-Z એટલે કે 18થી 25 વર્ષના યુવા મતદારોના પ્રભાવને સમજીને પોતાની રણનીતિ બદલી રહી છે. આ વખતે ઉમેદવારોની પસંદગીમાં પરંપરાગત ચહેરાઓને બદલે યુવા અને મહિલા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો નિર્ણય થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય મુખ્ય પક્ષો 'નો-રિપીટ થિયરી' અપનાવવા જઈ રહ્યા છે. એટલે કે બે કે તેથી વધુ ટર્મથી સતત ચૂંટાતા અને 55 વર્ષથી વધુ વય ધરાવતા નેતાઓને ટિકિટ નહીં આપવામાં આવે. આવા અનુભવી નેતાઓને સંગઠનમાં માર્ગદર્શક અથવા અન્ય જવાબદારી સોંપીને ચૂંટણી મેદાનમાં નવા લોહીને ઉતારવાની તૈયારી છે. આનાથી ઘણા દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાય તેવી શક્યતા છે.
રાજકીય પક્ષોના આંતરિક સર્વે દર્શાવે છે કે આજનો યુવા મતદાર જાતિવાદી રાજકારણ અને જૂના ચહેરાઓથી કંટાળી ગયો છે. તે ટેક-સેવી, શિક્ષિત અને સોશિયલ મીડિયા પર સક્રિય પ્રતિનિધિઓ ઇચ્છે છે. તેથી પક્ષો માત્ર પક્ષના કાર્યકરો પૂરતા સીમિત ન રહેતાં સ્થાનિક લોકપ્રિય વ્યક્તિઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, વકીલો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને યુવા નેતાઓની પ્રોફાઇલ ચકાસી રહ્યા છે. જે ઉમેદવાર યુવાનો સાથે સીધો સંવાદ સાધી શકે તેવા હશે, તેમને પ્રથમ તક આપવામાં આવશે.
આ વખતે મહિલા ઉમેદવારો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઉચ્ચ શિક્ષિત મહિલાઓ, સમાજસેવિકાઓ અને વ્યાવસાયિક મહિલાઓને ટિકિટ આપવાની યોજના છે. આ નિર્ણયથી મહિલા મતદારોને આકર્ષવામાં મદદ મળશે એવું પક્ષો માને છે. જો કે, નવી નીતિને કારણે ઘણા સિનિયર નેતાઓને ઘરે બેસવાનો વારો આવશે તો તેનાથી પક્ષમાં આંતરિક અસંતોષ અને બળવો થવાનો ભય છે. અત્યારથી જ કેટલાક દિગ્ગજ નેતાઓએ પોતાની ટિકિટ સાચવવા દિલ્હી અને ગાંધીનગરના આંટાફેરા વધારી દીધા છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે રાજકારણમાં નવી પેઢીને સ્થાન આપવાનો નિર્ણય યોગ્ય છે, પરંતુ સિનિયર નેતાઓના અનુભવની અવગણના કરવી જોખમી છે. જો પક્ષો આ નીતિ પર મક્કમ રહેશે તો આગામી વિધાનસભામાં યુવા અને મહિલા ચહેરાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે જ. પરિણામે ગુજરાતના રાજકારણમાં પેઢીગત પરિવર્તનનો ઉદય થશે. આ સમગ્ર પરિવર્તનનું મૂળ કારણ Gen-Z મતદારોને ગણવામાં આવે છે. શું આ પ્રયોગ સફળ થશે કે આંતરિક સંઘર્ષને જન્મ આપશે, તે આગામી ચૂંટણીના પરિણામ પછી સ્પષ્ટ થશે.