અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર વિવાદ વકર્યો છે. કેનેડાએ મંગળવારે અમેરિકન ઉત્પાદનો પર 20 અબજ યુએસ ડૉલરનો વળતો ટેરિફ લાદ્યો છે. અમેરિકા દ્વારા કેનેડિયન સામાન પર લાદવામાં આવેલા ટેરિફના જવાબમાં આ નિર્ણય લેવાયો છે.
કેનેડા સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, ડેરી ઉત્પાદનો, ઘરગથ્થુ ઉપકરણો, ખેતીના સાધનો, સીફૂડ, ચીઝ, કપડાં, કોસ્મેટિક્સ, ટોયલેટ પેપર, પલ્પ, પેપર અને ઇલેક્ટ્રોનિક્સ સહિત 700થી વધુ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદનો પર 8 સપ્ટેમ્બરથી ટેરિફ લાગુ પડશે.
ટેરિફના દર ઉત્પાદનોની શ્રેણી પ્રમાણે 15 ટકા, 25 ટકા અને 50 ટકા નક્કી કરવામાં આવ્યા છે. સૌથી વધુ અસર સ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્ર પર થશે, કારણ કે ઘણા ઉત્પાદનો પર ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરી દેવામાં આવ્યો છે.
આ પહેલા અમેરિકાએ કેનેડાના સામાન પર 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હતો. બંને દેશો વચ્ચે થયેલી વેપાર વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી. આ પછી કેનેડાએ આ કડક પગલું ભર્યું છે. કેનેડા દ્વારા અમેરિકાના ટેરિફ જેટલો જ વળતો ટેરિફ વસૂલવામાં આવશે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, “અમેરિકા કેનેડાને પોતાના નિયંત્રણ હેઠળ લાવવા માંગે છે. નિષ્ફળ રહેલી બેઠકો દરમિયાન અમેરિકાની શરતો અને માંગણીઓ પરથી સ્પષ્ટ જણાય છે કે તે કેનેડાના મુખ્ય ઉદ્યોગોને નબળા પાડવા કે બરબાદ કરવા ઈચ્છે છે.”
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપતાં કહ્યું છે કે, જો કેનેડાએ વિરોધ નહીં છોડ્યો તો હાલના ટેરિફ કરતાં પણ વધુ ખરાબ પરિણામો ભોગવવા પડશે. તેમણે કેનેડાથી આયાત થતાં વાહનો, ઓટો પાર્ટ્સ અને સ્ટીલ પર 50 ટકા નવો ટેરિફ લાદવાની ધમકી આપી છે.
આ ઉપરાંત, ટ્રમ્પે ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડ સાથેના વિવાદ વચ્ચે એવું પણ નિવેદન આપ્યું છે કે અમેરિકા ‘લેક ઓન્ટારિયો’નું નામ બદલીને ‘લેક અમેરિકા’ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
આ વેપાર સંઘર્ષની વૈશ્વિક બજાર પર નકારાત્મક અસર થવાની આશંકા છે. અમેરિકા અને કેનેડા વિશ્વના સૌથી મોટા વેપારી ભાગીદારોમાં સ્થાન ધરાવે છે. આ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર પ્રવાહ પ્રભાવિત થઈ શકે છે, જેની અસર સપ્લાય ચેઇન અને કિંમતો પર પડશે.
સામાન્ય ગ્રાહકો માટે રોજિંદી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે, કારણ કે ટેરિફનો બોજ આખરે ગ્રાહકો પર પસાર થાય છે. નિષ્ણાતો માને છે કે આ વિવાદ લાંબો સમય ચાલે તો બંને દેશોના અર્થતંત્રને નુકસાન થઈ શકે છે.