ગોંડલના યુવાન રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે તપાસ અહેવાલ રજૂ કર્યો છે, જેમાં કેટલાક મહત્વપૂર્ણ દાવા કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત પહેલાંના સીસીટીવી ફૂટેજમાં રાજકુમાર જાતે કપડાં ઉતારતો દેખાય છે. તેણે આશરે 51 કિલોમીટર ચાલીને કાપ્યું હોવાનું પણ પોલીસનું કહેવું છે. ફોરેન્સિક તપાસમાં સીસીટીવી ફૂટેજ સાથે કોઈ ચેડાં થયાં નથી તેવું સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું.
પોલીસના અહેવાલ પ્રમાણે, રાજકુમારને નશાની આદત હતી અને તે ગાંજાનું સેવન કરતો હતો. અકસ્માત પહેલાં તે ગાંજો મેળવવા માટે ઘરેથી નીકળ્યો હતો અને એક આશ્રમમાં ગાંજાની માગણી કરી હોવાનું પણ જણાવાયું છે. જોકે, તેણે તે સમયે ગાંજો લીધો હતો કે નહીં તે અંગે સ્પષ્ટ પુરાવા નથી.
રાજકુમારના વર્તન અંગેનો વીડિયો એક મનોચિકિત્સકને બતાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, નિષ્ણાતે તેના વર્તન અને ચાલવાની રીતને સામાન્ય ન ગણાવી, અને તે નશાની અસર હેઠળ અથવા માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે રાજકુમારે આશરે 11 કલાક 39 મિનિટના સમયગાળામાં લગભગ 51 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન 21 સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં તે એકલો ચાલતો જોવા મળે છે. સ્વસ્થ વ્યક્તિ લગભગ 4 કિમી પ્રતિકલાકની ઝડપે ચાલી શકે છે, એટલે 51 કિમી ચાલવું શક્ય છે તેવું પોલીસે હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.
અગાઉ હાઈકોર્ટે રાજકુમાર અકસ્માત પહેલાં નગ્ન અવસ્થામાં કેમ ફરતો હતો તેની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે અકસ્માત પહેલાં તે હાઈવે પર રોડની વચ્ચે ચાલતો જોવા મળ્યો હતો.
અરજદાર પક્ષે પોલીસના અહેવાલ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, રાજકુમારના કપડાં હજુ સુધી મળ્યાં નથી, તેમજ કોઈ વ્યક્તિ તેને વાહનમાં બેસાડીને લઈ ગઈ હતી કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ.
શું હતી ઘટના? ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા રતનલાલ શંકરલાલ જાટે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 2 માર્ચે તે અને તેમનો પુત્ર રાજકુમાર ઘરે જવા બાબતે મોટેથી બોલતા હતા. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થતાં ગણેશ જાડેજા અને 7-10 માણસોએ તેમને માર માર્યો હતો. બાદમાં પુત્ર રાજકુમાર તે જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ ત્યાંથી તે રહસ્યમય રીતે ગુમ થયો હતો. આ અંગે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ દરમિયાન, 3 માર્ચ, 2025ના રોજ મધ્યરાત્રિએ લગભગ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહનની અડફેટે ઈજા પામીને મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાનમાં સામ્યતા જણાતાં તપાસ આ દિશામાં આગળ વધી હતી.
હવે આ કેસની આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે યોજાશે.