અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો હાલમાં તણાવભર્યા છે. આવા સમયે અમેરિકી વાયુસેનાનું વિશાળ પરિવહન વિમાન C-17 ગ્લોબમાસ્ટર III મંગળવારે મોસ્કોના વનુકોવો એરપોર્ટ પર ઉતર્યું. આ ઘટના અંગે અમેરિકા કે રશિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન ન આવતાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, આ વિમાન RCH4555 ફ્લાઇટ નંબર સાથે લાતવિયાની રાજધાની રીગાથી ઉડાન ભરી હતી. સ્થાનિક સમય અનુસાર સવારે 8:50 વાગ્યે રીગાથી ઉડાન ભરીને લગભગ 10:04 વાગ્યે મોસ્કોના વનુકોવો એરપોર્ટ પર ઉતર્યું હતું. વનુકોવો એરપોર્ટનો ઉપયોગ મોટાભાગે VIP અને સરકારી મિશન માટે થાય છે.
રસપ્રદ વાત એ છે કે આ જ વિમાન 23 ઓગસ્ટે અમેરિકાના મેરીલેન્ડ સ્થિત 'કેમ્પ સ્પ્રિંગ્સ'થી રીગા પહોંચ્યું હતું. કેમ્પ સ્પ્રિંગ્સની નજીક જ અમેરિકાનું જાણીતું 'જોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ' આવેલું છે, જે અમેરિકી રાષ્ટ્રપ્રમુખના વિમાન 'એર ફોર્સ વન' અને ઉચ્ચ અધિકારીઓનાં વિમાનો માટેનો બેઝ છે. આથી આ વિમાનની હિલચાલ પર વધુ ધ્યાન કેન્દ્રિત થયું છે.
આ વિમાનના લેન્ડિંગ અંગે રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે તેમને આવા કોઈ આગમનની માહિતી નથી. રશિયાના સરકારી મીડિયાએ પણ અહેવાલ આપ્યો કે આ અઠવાડિયે મોસ્કોમાં અમેરિકન અધિકારીઓ સાથે કોઈ સત્તાવાર બેઠક નક્કી નથી. બીજી તરફ અમેરિકન સરકાર તરફથી પણ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
C-17 ગ્લોબમાસ્ટર III અમેરિકાનું ભારે સૈન્ય પરિવહન વિમાન છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ટેન્ક, યુદ્ધ સામગ્રી અને સૈનિકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે થાય છે. જોકે, તેનો ઉપયોગ રાજદ્વારી મિશન, દૂતાવાસ માટે સપ્લાય અથવા કટોકટીમાં નાગરિકોને બહાર કાઢવા માટે પણ થઈ શકે છે.
નિષ્ણાતોના મતે, આવું લેન્ડિંગ કોઈ દ્વિપક્ષીય વાટાઘાટોનો ભાગ હોઈ શકે છે, પરંતુ તેની પુષ્ટિ કરતા પુરાવા નથી. અત્યાર સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા ન આવતાં આ વિમાનની મુલાકાત રહસ્યમય બની રહી છે. સત્તાવાર માહિતી મળ્યા સિવાય કોઈ તારણ કાઢવું યોગ્ય નથી.
અમેરિકા-રશિયા વચ્ચે હાલમાં યુક્રેન મુદ્દે તણાવ છે. આવા સમયે અમેરિકી સૈન્ય વિમાનનું મોસ્કોમાં આગમન ચર્ચાનો વિષય બન્યું છે. જોકે, આવી મુલાકાતો ક્યારેક નિયમિત રાજદ્વારી કામગીરીનો ભાગ પણ હોઈ શકે છે. હવે એ જોવું રહ્યું કે બંને દેશો આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપે છે કે નહીં.