રાજકોટમાં ડુંગળીના ભાવે જોરદાર ઉછાળો આવ્યો છે. છેલ્લા આઠ દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો ₹15થી ₹20નો વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓના રસોડાના બજેટ પર સીધી અસર પડી છે. હાલ છૂટક બજારમાં ડુંગળી ₹60થી ₹70 પ્રતિ કિલો ભાવે વેચાઈ રહી છે, જ્યારે આઠ દિવસ પહેલાં તે ₹30થી ₹40 પ્રતિ કિલો હતી.
રાજકોટ યાર્ડમાં જથ્થાબંધ ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. અહીં ડુંગળીના ભાવ વધીને ₹550થી ₹850 પ્રતિ મણ થયા છે, જ્યારે અગાઉ તે ₹250થી ₹400 પ્રતિ મણ હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર માંગની સરખામણીએ આવકમાં ઘટાડો થવાને કારણે ભાવમાં વધારો થયો છે અને આગામી દિવસોમાં પણ ભાવ વધવાની શક્યતા છે.
રાજકોટ યાર્ડમાં વાંકાનેર ઉપરાંત નાસિકથી પણ ડુંગળીની આવક થઈ રહી છે. હાલ યાર્ડમાં પીળીપત્તી ડુંગળીની 3,000 કટાની આવક નોંધાઈ છે. ડુંગળીના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય ગ્રાહકોને રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે, કારણ કે વેપારીઓએ આવનારા દિવસોમાં ભાવમાં વધુ સુધારો થવાની આગાહી કરી છે.