સુરતથી કાનપુર જતી ખાનગી બસમાં મધ્યપ્રદેશના સરદારપુર નજીક મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં સવાર મુસાફરોએ બારીના કાચ તોડીને પોતાના જીવ બચાવ્યા હતા. ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ બસ ગુજરાતના સુરત શહેરમાંથી ઉત્તર પ્રદેશના કાનપુર તરફ મુસાફરોને લઈને જઈ રહી હતી. સુરતમાંથી રવાના થયેલી આ ખાનગી બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. રાત્રિના સમયે બસ મધ્યપ્રદેશના સરદારપુર શહેરના ભોપાવર ચોકી પાસે પહોંચી ત્યારે અચાનક બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો.
ધુમાડો નીકળતાં જ બસના ચાલકે બસ રસ્તાની બાજુમાં રોકી દીધી અને તરત જ સ્થળ પરથી ભાગી ગયો. ચાલકે મુસાફરોને બહાર નીકળવા માટે કોઈ સૂચના આપી ન હતી. થોડી જ વારમાં બસમાંથી મોટી જ્વાળાઓ ઉઠતી જોવા મળી હતી.
આગ લાગતાં જ બસમાં અફરાતફરી મચી ગઈ. કેટલાક મુસાફરો દરવાજામાંથી બહાર દોડી ગયા, જ્યારે અન્યોએ બારીના કાચ તોડીને બહાર કૂદી પડ્યા. કાનપુરના નિવાસી નીલમ પાલે જણાવ્યું હતું કે, તેમણે પોતાના 8 વર્ષના પુત્રને પહેલા બારીમાંથી બહાર ફેંકી પોતાની જાન બચાવી હતી. આ દરમિયાન ઘણા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી.
મુસાફરોના જણાવ્યા અનુસાર, ગુજરાતના દાહોદ નજીક બસને લગભગ ચાર કલાક સુધી રોકીને ટેકનિકલ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. રિપેરિંગ બાદ બસ આગળ રવાના કરવામાં આવી હતી, પરંતુ થોડા કલાકો બાદ જ આ ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ સરદારપુર એસડીઓપી વિશ્વદીપ સિંહ પરિહારના નેતૃત્વમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે એક તરફનો વાહનવ્યવહાર બંધ કરી બીજી તરફ ડાયવર્ટ કર્યો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાં સુધીમાં બસ મોટાભાગે બળીને ખાખ થઈ ગઈ હતી.
ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે મુસાફરો માટે રાહત વ્યવસ્થા કરી અને તેમને ઈન્દોર તરફ જતી અન્ય બસોમાં બેસાડીને કાનપુર કે તેમના ગંતવ્ય સ્થાને રવાના કર્યા હતા. બસમાં રહેલો મોટાભાગનો સામાન આગમાં બળી ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પોલીસ તપાસ ચાલી રહી છે.