Because Every Second Is Breaking News.

ડુંગળીના ભાવમાં ઉછાળો: શહેરોમાં કિલોએ ૬૫-૭૦ રૂપિયા, સરકારે કાંદા એક્સપ્રેસ દોડાવી

ડુંગળીના ભાવમાં ઉછાળો: શહેરોમાં કિલોએ ૬૫-૭૦ રૂપિયા, સરકારે કાંદા એક્સપ્રેસ દોડાવી

નવી દિલ્હી સહિત દેશના મોટાં શહેરોમાં ડુંગળીના છૂટક ભાવ કિલોએ ૬૫થી ૭૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ગત મહિને ડુંગળી સરેરાશ ૫૫ રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી. હવે ઘણાં બજારોમાં તે ૭૦ રૂપિયા સુધી પહોંચી છે, જે સામાન્ય ગ્રાહકના ખિસ્સા પર સીધો ભાર મૂકે છે.

કમોસમી વરસાદ અને ભેજના કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. ખેતરમાં પાક ઉભો હોય ત્યારે વધુ પડતા વરસાદથી તેને નુકસાન થાય છે. ઉપરાંત, ભેજને કારણે સંગ્રહ કરેલી ડુંગળી સડવા લાગે છે, જેનાથી પુરવઠામાં ખલેલ ઉભી થઈ છે. બજારના સૂત્રો જણાવે છે કે હોલસેલ વેપારીઓએ માંગ અને પુરવઠાના અંતરનો લાભ લઈને ભાવમાં વધારો કર્યો છે.

આ પહેલાં ખાંડના ભાવમાં થયેલા વધારાએ પણ સરકારને ચિંતામાં મૂકી દીધી હતી. સરકારે ખાંડની આયાત પરની ડ્યુટી હટાવી દીધી છે અને ૧૦ વર્ષમાં પ્રથમ વખત ખાંડની આયાતની જાહેરાત કરી છે. હવે ડુંગળીના ભાવ પણ વધતાં સરકાર સામે પડકાર ઊભો થયો છે.

કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવ નિયંત્રણમાં રાખવા 'કાંદા એક્સપ્રેસ' યોજના ચાલુ રાખી છે. આ યોજના હેઠળ નાસિકના બફર સ્ટોકમાંથી દેશના વિવિધ શહેરોમાં રેલવે મારફતે ડુંગળી મોકલવામાં આવે છે. કન્ઝ્યુમર અફેર્સ સેક્રેટરી નિધિ ખરે જણાવ્યું છે કે દેશમાં ડુંગળીની અછત નથી અને સરકાર પાસે પૂરતો સ્ટોક છે. તેમણે જણાવ્યું કે બફર સ્ટોકમાંથી ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, મદુરાઈ, ઈર્નાકુલમ અને ગુવાહાટી જેવાં શહેરોમાં માલ પહોંચાડવામાં આવ્યો છે.

સરકારી આંકડા અનુસાર, ૨૦૨૫-૨૬માં ડુંગળીનું ઉત્પાદન ૩૦૭.૩૭ લાખ ટન હતું, જે અગાઉના વર્ષના ૩૦૭.૬૭ લાખ ટનથી માત્ર ૦.૩ લાખ ટન ઓછું છે. એટલે ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો નથી. છતાં, ભારે વરસાદના કારણે ખેતરમાં પાકને નુકસાન થવાથી અને ભેજને કારણે સંગ્રહિત માલ સડવાથી બજારમાં કૃત્રિમ અછત ઉભી થઈ છે. અમુક વિસ્તારોમાં પાક નષ્ટ થવાના અહેવાલો પણ છે.

નિષ્ણાતોના મતે, જો વરસાદ ચાલુ રહેશે અને સપ્લાય પર અસર પડશે તો ડુંગળીના ભાવ ૮૦થી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જોકે, સરકાર દ્વારા પૂરતો જથ્થો બજારમાં મૂકવામાં આવે તો ભાવમાં ઘટાડો શક્ય છે. સરકારે ભાવવધારા પર નજર રાખવા અને કૃત્રિમ અછત રોકવા માટે નિયમનકારી પગલાં લેવાની જરૂર છે.

ડુંગળીના ભાવવધારાની અસર રેસ્ટોરન્ટ અને ઘરગૃહસ્થીમાં પણ દેખાઈ રહી છે. સામાન્ય લોકોની દૈનિક શાકભાજીની ખરીદીમાં હવે વધુ ખર્ચ કરવો પડે છે. મધ્યમવર્ગીય પરિવારો ઓછી માત્રામાં ડુંગળી ખરીદવા માટે મજબૂર છે. આ મોંઘવારી તહેવારોની સિઝનમાં વધુ પરેશાની ઉભી કરી શકે છે.