અમદાવાદના CG રોડ પર આવેલી ફિનો પેમેન્ટ્સ બેંકના સંચાલકો સામે ₹2.46 કરોડની છેતરપિંડીનો આરોપ મૂકાયો છે. નડિયાદના રહેવાસી કિરણભાઈ પ્રજાપતિએ આ મામલે CID ક્રાઈમના અમદાવાદ યુનિટમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ફરિયાદ અનુસાર, કિરણભાઈ વિવિધ બેંકોની પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા હતા. વર્ષ 2020માં તેઓ ફિનો પેમેન્ટ્સ બેંકના ડિસ્ટ્રીબ્યુટર બન્યા. બેંકના ઝોનલ હેડ કલ્પીત સોની, સુરેન્દ્ર શર્મા, હિંમાશુ મિશ્રા, શૈલેષ પાંડે અને અન્ય જવાબદાર અધિકારીઓએ તેમને વિવિધ યોજનાઓમાં ₹2.46 કરોડનું રોકાણ કરાવ્યું હતું.
ખાસ કરીને ગોલ્ડ લોન સ્કીમમાં રોકાણ પર ઊંચા કમિશનની લાલચ આપવામાં આવી હતી. આ લાલચથી કિરણભાઈએ વિવિધ રોકાણકારો પાસેથી ભેગા કરેલા નાણાં બેંકમાં જમા કરાવ્યા. શરૂઆતમાં તેમને ₹30 લાખનું કમિશન ચૂકવવામાં આવ્યું હતું, જેથી તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો.
પરંતુ થોડા સમય બાદ બેંક સંચાલકોએ કમિશન આપવાનું બંધ કરી દીધું. રોકાણ કરેલી મૂડી પણ પરત કરવામાં આવી નહીં. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં કિરણભાઈએ આખરે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરિયાદના આધારે કલ્પીત સોની, સુરેન્દ્ર શર્મા, હિંમાશુ મિશ્રા, શૈલેષ પાંડે સહિત અન્ય સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. હાલ તપાસ ચાલુ છે, અને વધુ વિગતો સામે આવી રહી છે. આ ઘટના રોકાણકારો માટે ચેતવણી સમાન છે કે ઊંચા વળતરના વચનો પર વિશ્વાસ કરતાં પહેલાં સંબંધિત બેંકની વિશ્વસનીયતા ચકાસવી જરૂરી છે.
નોંધનીય છે કે સમાન યોજનાઓમાં છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા છે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી અને કોઈપણ રોકાણ કરતાં પહેલાં સ્વતંત્ર સલાહ લેવી હિતાવહ છે. CIDની તપાસથી આ મામલે વધુ ખુલાસા થવાની અપેક્ષા છે.