અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS) દ્વારા H-1B વિઝા ફીમાં ભારે વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ H-1B વિઝા માટે ૧,૦૩,૨૬૫ ડોલર (લગભગ ૯૮.૯૨ લાખ રૂપિયા) ફી ચૂકવવાની દરખાસ્ત છે. વર્તમાનમાં આ ફી મોટા ભાગના કિસ્સાઓમાં ૨,૦૦૦ થી ૫,૦૦૦ ડોલરની આસપાસ છે.
H-1B વિઝા અમેરિકાની કંપનીઓને વિશિષ્ટ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી કરવાની મંજૂરી આપે છે. આ અંતર્ગત દર વર્ષે ૬૫,૦૦૦ સામાન્ય વિઝા અને ઉચ્ચ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ્સ માટે વધારાના ૨૦,૦૦૦ વિઝા બહાર પાડવામાં આવે છે. આ વિઝાની માન્યતા ત્રણથી છ વર્ષ સુધીની હોય છે. ભારતીય નાગરિકોને મળતા H-1B વિઝામાં ૭૦ ટકાથી વધુ હિસ્સો છે.
અમેરિકી ઇમિગ્રેશન સેવા (USCIS) દ્વારા વર્ષ ૨૦૨૪માં મંજૂર કરાયેલી ૩,૯૯,૪૦૨ વિઝા અરજીઓમાંથી ૭૧ ટકા ભારતીય મૂળના લોકોની હતી. અમેરિકામાં હાલ ૫૨ લાખથી વધુ ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે. આ પ્રસ્તાવિત ફેરફારની સૌથી મોટી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પર પડે તેવી શક્યતા છે.
આ ઉપરાંત DHS દ્વારા F-1 ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) કાર્યક્રમની અરજીઓ પર પણ ૧ લાખ ડોલર સુધીની ફી લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવી શકે છે. OPT કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકામાં અસ્થાયી નોકરી કરી શકે છે. જો આ ફી લાગુ થશે તો વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં કારકિર્દી બનાવવી મુશ્કેલ બનશે.
વિઝા ફી વધારા સામે અમેરિકાના સૌથી મોટા બિઝનેસ સંગઠન યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, કેટલાક રાજ્યો અને નોકરીદાતાઓના સંગઠનોએ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. અરજીઓમાં દલીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રવેશ પ્રતિબંધિત કરવાની મળેલી સત્તા સંસદ (કોંગ્રેસ) દ્વારા બનાવેલા કાયદાને મનસ્વી રીતે બદલવાનો અધિકાર આપતી નથી. સંસદની મંજૂરી વિના આ પ્રકારનો મોટો ટેક્સ કે ફી લાદી શકાય નહીં. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ પરંપરાગત ટેક્સ નથી અને રાષ્ટ્રપ્રમુખના અધિકારોમાં કોર્ટની દખલગીરી મર્યાદિત હોવી જોઈએ.
ફી વધારા ઉપરાંત DHS દ્વારા બેરોજગાર H-1B કર્મચારીઓ માટે મળતો ૬૦ દિવસનો ગ્રેસ પીરિયડ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. જો આ નિયમ મંજૂર થશે તો નોકરી ગુમાવનારા કર્મચારીઓ અને તેમના આશ્રિતોએ તરત જ અમેરિકા છોડવું પડશે, અન્યથા તેમના પર ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી થઈ શકે છે.
આ તમામ દરખાસ્તો હજુ સત્તાવાર રીતે અંતિમ નથી. DHS દ્વારા તેને ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કર્યા બાદ જાહેર સૂચના અને ટિપ્પણી પ્રક્રિયા ચાલશે. નિષ્ણાતોના મતે આવા ફેરફારો અમલમાં આવે તે પહેલાં કાનૂની અવરોધો અને સંસદીય દેખરેખ મહત્વની ભૂમિકા ભજવશે. હાલમાં જે માહિતી ઉપલબ્ધ છે તે અનુસાર આ પ્રસ્તાવોથી ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પર ઊંડી અસર થવાની સંભાવના છે.