અમદાવાદના જમાલપુર વોર્ડ સમિતિની 21 ઓગસ્ટે યોજાયેલી માસિક બેઠક દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલર નાઝનીન ઠાકોરના પતિ ડૉ. વસીમ ઠાકોર હાજર રહેતા વિવાદ સર્જાયો છે. દાણાપીઠ મધ્ય ઝોન કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકનો ફોટો વાઈરલ થતાં નિયમ મુજબ કાઉન્સિલર સિવાય અન્ય કોઈને બેઠકમાં પ્રવેશ ન હોવા છતાં તેમની હાજરી પર સવાલો ઉઠ્યા છે.
વોર્ડ સમિતિની બેઠકોમાં મ્યુનિસિપલ કાઉન્સિલર અને કોર્પોરેશનના અધિકારીઓ ભાગ લઈ શકે છે. સામાન્ય રીતે આ બેઠકોમાં કોઈ બાહ્ય વ્યક્તિને હાજર રહેવાની મંજૂરી હોતી નથી. છતાં ડૉ. વસીમ ઠાકોર બેઠકમાં હાજર હોવાનું ફોટોગ્રાફિક પુરાવા સાથે સામે આવ્યું છે. આ ઘટનાને લઈને જમાલપુર વોર્ડમાં કાઉન્સિલરના પતિના રાજકીય હસ્તક્ષેપ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ વસીમ ઠાકોર વોર્ડ સમિતિની બેઠકમાં પ્રવેશવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. જ્યારે અધિકારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે “હું કેમ ન જઈ શકું?” એવો સવાલ કરી બોલાચાલી થઈ હોવાની માહિતી છે. એટલું જ નહીં, શહેરની કોર્પોરેશનની ડાયરીમાં નાઝનીન ઠાકોરના બદલે તેમના પતિનો મોબાઈલ નંબર જાહેર થતાં ‘પતિરાજ’ શબ્દનો ઉપયોગ કરીને ચર્ચા કરવામાં આવી હતી. હવે આ ફોટો વાઈરલ થતાં તે ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.
આ ઉપરાંત, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પહેલા મહિલા કોર્પોરેટર નાઝનીન ઠાકોરની વિસ્તારમાં સક્રિયતા અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે મહિલા કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા છે તો તેમને ક્ષેત્રમાં મોકલવા જોઈએ. આ નિવેદનથી વસીમ ઠાકોર નારાજ થયા હતા અને તેમણે આગામી ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ સિવાય અપક્ષ તરીકે લડવાની વાત પણ કરી હતી. આ સિવાય શહેર પ્રમુખ સોનલ પટેલ સાથે પણ તેમની દલીલ થઈ હોવાની ચર્ચા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કાઉન્સિલરના પતિના વોર્ડની કામગીરીમાં વધુ પડતા હસ્તક્ષેપને કારણે જમાલપુર વોર્ડના અધિકારીઓ પણ કંટાળી ગયા છે. તેઓએ આ અંગે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી હોઈ શકે છે. વોર્ડ સમિતિની બેઠકમાં પ્રોટોકોલનું પાલન કરાવવાની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની છે, ત્યારે બેઠકમાં કાઉન્સિલરના પતિની હાજરીનો ફોટો વાઈરલ થતાં અધિકારીઓએ કઈ કાર્યવાહી કરી છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
હવે પ્રશ્ન એ છે કે આ બેઠકમાં વસીમ ઠાકોરને કઈ રીતે પ્રવેશ મળ્યો? શું આ નિયમોનું ઉલ્લંઘન છે? અધિકારીઓએ આ અંગે કોઈ પગલાં લીધાં છે? આ સવાલોના જવાબ મળે ત્યાં સુધી વિવાદ ચાલુ રહે તેવી શક્યતા છે. જમાલપુર વોર્ડમાં આવી ઘટનાઓથી નગરસેવકોની ભૂમિકા અંગે ચર્ચા કરવાનું કારણ મળ્યું છે. જો કે, આ મામલે કાઉન્સિલર નાઝનીન ઠાકોર કે તેમના પતિ તરફથી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી નથી.