ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ સોમવારે બે દિવસના ચીન પ્રવાસે બેઇજિંગ પહોંચ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીના આમંત્રણ પર તેઓ ભારત-ચીન સરહદ વિવાદ અંગે વિશેષ પ્રતિનિધિઓની 25મી તબક્કાની મંત્રણામાં ભાગ લેશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન ડોભાલ ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને પણ મળશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, સરહદ પર શાંતિ-સ્થિરતા અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. આ મંત્રણાને ભારત-ચીન સંબંધોમાં સરહદ સાથે જોડાયેલા પેન્ડિંગ પ્રશ્નોના ઉકેલ તરફનું મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, વિશેષ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના રાજકીય ઉકેલ માટેની સૌથી મહત્ત્વપૂર્ણ મંત્રણા પ્રક્રિયા છે. આ પ્રક્રિયા હેઠળ બંને દેશો નિયમિત અંતરે મંત્રણા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં LAC પર તણાવ વચ્ચે પણ આ સંવાદ યથાવત રહ્યો છે.
અગાઉ 6 ઓગસ્ટે નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે સરહદી બાબતો પર પરામર્શ અને સંકલન માટે રચાયેલી વર્કિંગ મિકેનિઝમ (WMCC)ની 36મી બેઠક યોજાઈ હતી. તેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બંને પક્ષોએ સ્પષ્ટ કર્યું હતું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી એ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર વિકાસ માટે આવશ્યક છે.
આ બેઠકમાં બંને દેશોએ બાકી રહેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજદ્વારી અને સૈન્ય સંવાદના માધ્યમો ચાલુ રાખવા પર સહમતિ દર્શાવી હતી. આમાં WMCC, સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો અને પૂર્વ-સ્થાપિત વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ 24મા વિશેષ પ્રતિનિધિ તબક્કાની વાટાઘાટોમાં સીમા નિર્ધારણ, સરહદ સંચાલન અને સરહદ પાર સહયોગ સંબંધિત વિષયો પર વિગતવાર વિચાર-વિમર્શ થયો હતો.
ભારતે સરહદ પાર વહેતી નદીઓ અંગેના નિષ્ણાત-સ્તરીય મિકેનિઝમની આગામી બેઠક ઝડપથી બોલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમજ ઉપલા વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની ટેકનિકલ માહિતીના આદાન-પ્રદાનના મહત્ત્વ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા બંને પક્ષો સંવાદ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. બેઇજિંગમાં યોજાનારી આ મંત્રણાના પરિણામો ભારત-ચીન સંબંધોની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ રહેશે.