સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય SOGની સંયુક્ત ટીમે ૨૪ ઓગસ્ટે પલસાણા તાલુકાના એના ગામ ટોલનાકા નજીકથી ₹29.32 લાખની કિંમતના 977.61 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપી આ જથ્થો મુંબઈ લઈ જતા હતા. પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામેની આ કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે.
પોલીસને બાતમી મળી હતી કે સિલ્વર કલરની અર્ટિગા કારમાં એક મહિલા અમદાવાદ તરફથી ડ્રગ્સ લઈને મુંબઈ જવા નીકળી છે. આ બાતમી પરથી ક્રાઈમ બ્રાન્ચ અને ગ્રામ્ય SOGની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એના ગામ પાસે ફિલ્ડિંગ ગોઠવ્યું હતું. રાત્રિના સમયે શંકાસ્પદ કાર આવતાં જ પોલીસે તેને રોકી અને તપાસ શરૂ કરી હતી.
તપાસમાં કારની અંદરથી 977.61 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત ₹4,670 રોકડા અને ₹50,000 કિંમતના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુલ જપ્તીની કિંમત ₹29,87,500 છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં માનસી અબ્દુલ સૈયદ (ઉં.વ. 41) અને સોહેલ સુલેમાન શેખ (ઉં.વ. 20)નો સમાવેશ થાય છે. બંને હાલ મુંબઈના કલીના, સાંતાક્રુઝ ઈસ્ટ વિસ્તારમાં રહે છે. માનસી મુખ્ય આરોપી માનવામાં આવી રહી છે.
પૂછપરછ દરમિયાન માનસીએ જણાવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો વડોદરા રેલવે સ્ટેશન પાસેથી એક અજાણી મહિલાએ આપ્યો હતો. તે આ જથ્થો મુંબઈમાં વેચાણ માટે લઈ જઈ રહી હતી. પોલીસે શંકા ન જાય તે માટે ડ્રગ્સને બાળકોના ડાયપરમાં છુપાવવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.
માનસીની પૃષ્ઠભૂમિ વિશે પોલીસે જણાવ્યું કે તેણે પોતાને ભૂતપૂર્વ એરહોસ્ટેસ અને શાસ્ત્રીય નૃત્યાંગના હોવાનું કહ્યું છે. તેણે મલેશિયન એરલાઈન્સમાં કામ કર્યાનો દાવો પણ કર્યો છે. જોકે, પોલીસે આ દાવાની ચકાસણી હાથ ધરી છે. આ ઉપરાંત, તે અગાઉ બેંગ્લોરમાં આઠ વર્ષ રહી ચૂકી છે અને કેટલાક દેશોની મુલાકાતે પણ ગઈ હોવાનું જણાવે છે.
આરોપી માનસી સામે અગાઉ પણ ડ્રગ્સનો કેસ નોંધાયેલો છે. વર્ષ 2021માં ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે તેને 100 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી હતી. તે કેસમાં તેણે ચાર વર્ષ જેલમાં વિતાવ્યા હોવાની વિગત પણ સામે આવી છે.
આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરામાં ડ્રગ્સ આપનાર મહિલાની ઓળખ અને મુંબઈમાં આ જથ્થાનું વિતરણ કોને કરવાનું હતું, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે ડ્રગ્સના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ટીમો ગોઠવી છે.