નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સત્તા સંભાળ્યાને 150 દિવસ પૂરા થયા છે. આ ટૂંકા ગાળામાં તેમની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. યુવાનોના જન-ઝી આંદોલન દ્વારા આશાસ્પદ નેતા તરીકે ઊભરેલા શાહ હવે અનેક રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છે.
બાલેન શાહ 27 માર્ચ, 2026ના રોજ નેપાળના વડાપ્રધાન બન્યા. તે પહેલા તેઓ કાઠમંડૂના મેયર હતા. એન્જિનિયર અને રેપર તરીકે જાણીતા શાહે ચૂંટણીમાં ચાર વખતના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીને તેમના ગઢ ઝાપામાં હરાવ્યા હતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટી (RSP)ને મોટી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હાલમાં પાર્ટીમાં આંતરિક ખેંચતાણ, વ્યૂહાત્મક વિવાદો અને જાહેર નારાજગી વધી રહી છે. ભારત-નેપાળ સરહદ વિવાદ અને દેશના દક્ષિણ ભાગમાં થયેલી સાંપ્રદાયિક હિંસાએ સરકારની મુશ્કેલી વધારી છે.
તાજેતરમાં ભારત-નેપાળ સરહદ અંગેનો વિવાદ ફરી સામે આવ્યો છે. આ મુદ્દે શાહ સરકારની નીતિની ચર્ચા થઈ રહી છે. શાહે કેટલાક વિદેશી અધિકારીઓને મળવાનું ટાળ્યું હતું, પરંતુ 10 ઓગસ્ટના રોજ ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવ અને ચીનના રાજદૂત ઝાંગ માઓમિંગ સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી.
આ દરમિયાન RSPના અધ્યક્ષ રવિ લામિછાનેએ ભારતનો પ્રવાસ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતોએ પાર્ટીમાં નેતૃત્વને લઈને નવી ચર્ચાઓ જન્માવી.
જુલાઈમાં કાઠમંડૂમાં રાઈડ-શેર ડ્રાઈવર ગણેશ નેપાલીના મોત બાદ યુવાનોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો. આ ઘટનાએ સરકારની કામગીરી અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.
નેપાળના દક્ષિણ વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. વડાપ્રધાન શાહે જાહેર અપીલ કરીને શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો.
શાહ સંસદ અને પાર્ટીના કાર્યક્રમોથી દૂર રહે છે. 21 ઓગસ્ટના રોજ યોજાયેલી પાર્ટીની કેન્દ્રીય સમિતિની બેઠકમાં તેઓએ ભાગ ન લીધો. સંસદના 39 સત્રોમાંથી માત્ર પાંચ વખત તેઓ હાજર રહ્યા છે. સ્પીકરે 26 ઓગસ્ટના રોજ ગૃહના સવાલ-જવાબ સત્રમાં હાજર રહેવા સૂચના આપી છે, જે દર્શાવે છે કે સંસદમાં તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.
આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે બદલાવની આશાએ ચૂંટાયેલા શાહનું નેતૃત્વ હવે પરીક્ષણના તબ્બકામાં છે. આગામી સમયમાં સંસદ, પાર્ટી અને પ્રજા વચ્ચેના સંતુલન પર તેમનું રાજકીય ભવિષ્ય નિર્ભર રહેશે.