ઘરમાં કેટલું સોનું રાખી શકાય? શું વધુ સોનું રાખવાથી ઈન્કમ ટેક્સ વિભાગ મુશ્કેલી ઊભી કરી શકે છે? આ સવાલોનો જવાબ તાજેતરના નાગપુર ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)ના એક ચુકાદામાં મળે છે. ITATએ સ્પષ્ટ કર્યું છે કે, ઘરમાંથી મળેલી દરેક જ્વેલરીને માત્ર એ આધારે અઘોષિત આવક ગણી શકાય નહીં કે તે ઘરમાંથી મળી છે. જ્વેલરીના માલિકી, સ્રોત અને પરિવારની સામાજિક-આર્થિક પરિસ્થિતિ ધ્યાને લેવી જરૂરી છે.
આ કેસ નાગપુરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિર્મળ કુમાર અગ્રવાલનો છે. 26 જુલાઈ 2016ના રોજ તેમના ઘરે ઈન્કમ ટેક્સ વિભાગે દરોડો પાડ્યો હતો. દરોડામાં આશરે 2.434 કિલો સોનાના દાગીના મળ્યા હતા, જેની કિંમત ₹90.59 લાખ હતી. વિભાગે તેમાંથી 1.314 કિલો જ્વેલરી જપ્ત કરી હતી. ઈન્કમ ટેક્સ અધિકારીએ ₹50 લાખની જ્વેલરીને અઘોષિત આવક ગણાવીને ટેક્સની ગણતરીમાં ઉમેરી દીધી હતી.
અગ્રવાલે આ નિર્ણયને ITATમાં પડકાર્યો હતો. ટ્રિબ્યુનલે કેસની સમીક્ષા કરીને કેટલીક મહત્વની બાબતો સ્પષ્ટ કરી. પ્રથમ, 55.8 ગ્રામ જ્વેલરી અગ્રવાલની પત્નીને તેમની બંને પુત્રીઓના જન્મ સમયે માતા-પિતા તરફથી ભેટ મળી હતી. ITATએ સ્વીકાર્યું કે, પરિવારના અન્ય સભ્ય પાસે હોય તેવા દાગીના અને તેનો સ્રોત યોગ્ય હોય, તો તેને પતિની આવક ગણી શકાય નહીં. બીજા, અગ્રવાલના નામે રહેલા 121.5 ગ્રામ સોનામાંથી માત્ર 48.9 ગ્રામ સોનાના સ્રોત વિશે વિવાદ હતો. CBDTના સર્ક્યુલર (ઇન્સ્ટ્રક્શન નં. 1916) મુજબ પુરુષ સભ્ય માટે 100 ગ્રામ સુધીના સોનાને વાજબી ગણવામાં આવે છે. 48.9 ગ્રામ આ મર્યાદાથી ઓછું હોવાથી તેને અઘોષિત આવકમાં ગણવામાં આવ્યું ન હતું.
આ ચુકાદાની સાથે CBDT દ્વારા નક્કી કરાયેલ મર્યાદાઓ પણ સમજવી જરૂરી છે. ઈન્કમ ટેક્સ દરોડા દરમિયાન પરણિત મહિલા 500 ગ્રામ, અપરિણિત મહિલા 250 ગ્રામ અને પુરુષ 100 ગ્રામ સુધીના સોનાના દાગીના વિના કોઈ પૂરા રાખી શકે છે, અને તેને જપ્ત કરી શકાતા નથી. જોકે, આ મર્યાદાઓ બેન્ચમાર્ક છે, સંપૂર્ણ નિયમ નથી. તેથી સોનું ખરીદતી વખતે બિલ સાચવવું, બેંકિંગ ચેનલથી ચુકવણી કરવી અને વારસામાં મળેલા દાગીનાનો રેકોર્ડ રાખવો સમજદારી છે.
આ ચુકાદો સામાન્ય લોકો માટે રાહતદાયક છે, કારણ કે તે ઘરમાં રાખેલા સોના અને દાગીનાને લઈને થતી ગેરસમજ દૂર કરે છે. જો દાગીનાનો સ્રોત યોગ્ય હોય અને વ્યક્તિની સામાજિક પરિસ્થિતિ અનુસાર તે વાજબી હોય, તો ટેક્સ વિભાગ તેને અઘોષિત આવક ગણી શકતું નથી. છતાં, નિયમોનું પાલન કરવું અને યોગ્ય દસ્તાવેજીકરણ રાખવું હિતાવહ છે.