અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભરતી કૌભાંડ અને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) ગ્રાન્ટના દુરુપયોગના મામલે યુનિવર્સિટીએ તપાસ સમિતિની રચના કરી છે. ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ દીપક વ્યાસની અધ્યક્ષતામાં આ એક સભ્ય સમિતિ ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરશે. તપાસના ક્ષેત્રમાં કથિત અનિયમિત નિમણૂકો, યુનિવર્સિટીના ભંડોળનો દુરુપયોગ, સત્તાનો દુરુપયોગ અને PMJVK ગ્રાન્ટ સંબંધિત ગેરરીતિઓનો સમાવેશ થાય છે. સમિતિ દસ્તાવેજો અને નિમણૂકોની તપાસ કરીને ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરશે.
પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે દાવો કર્યો છે કે, નીરજા ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યા બાદ UGCના નિયમોની અવગણના કરીને પોતાના મળતિયાઓ સહિત 10 લોકોને ડિરેક્ટર જેવા ઉચ્ચ પદો પર ગોઠવી દીધા હતા. આ લોકોને કુલપતિના પગાર કરતાં પણ વધુ મહેનતાણું વિદ્યાર્થીઓની ફીના નાણાંમાંથી ચૂકવવામાં આવતું હોવાનો આરોપ છે.
સૌથી ગંભીર આક્ષેપ PMJVK ગ્રાન્ટ સંદર્ભે છે. આ યોજના હેઠળ ગુજરાત યુનિવર્સિટીને 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. આરોપ છે કે, નીરજા ગુપ્તાએ પોતાને પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિમ્યા બાદ નિયમિત પગાર ઉપરાંત 4.20 લાખ રૂપિયાનું ભથ્થું મેળવ્યું હતું. તેમજ ગ્રાન્ટ ખાતામાંથી 9.84 લાખ રૂપિયા તેમના જર્મનીમાં રહેતા પુત્રના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં 40 કરોડ રૂપિયામાંથી 50 ટકાથી વધુ રકમનો કોઈ હિસાબ નથી.
આ મામલે યુનિવર્સિટી પ્રશાસને ગેરકાયદે રાખવામાં આવેલા તમામ 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ કસૂરવારોને ટર્મિનેટ કરી નાણાંની વસૂલાત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીના આ કૌભાંડની તપાસ માટે રચાયેલી સમિતિને વ્યાપક અધિકારો આપવામાં આવ્યા છે. સમિતિ કોઈપણ દસ્તાવેજ, રેકોર્ડ અને સાક્ષીની તપાસ કરી શકશે. ત્રણ મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરવાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.