હોર્મુઝ સામુદ્રધુની વિશ્વના કુલ તેલ પુરવઠાના લગભગ પાંચમા ભાગનું પરિવહન થાય છે. ત્યાં ચાલી રહેલા સંકટને કારણે વૈશ્વિક તેલ-ગેસના ભાવમાં અસ્થિરતા વધી છે. ભારત પોતાની ક્રૂડ તેલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી વૈશ્વિક કિંમતમાં થતા વધારાની સીધી અસર તેના આયાત બિલ પર પડે છે. માર્ચથી ઓગસ્ટ 2026 દરમિયાન ભારતે તેલ અને ગેસની આયાત માટે આશરે 22 અબજ ડોલર (લગભગ રૂ. 1.8 લાખ કરોડ)નો વધારાનો ખર્ચ કર્યો છે. એનર્જી અને ક્લીન એર અંગે સંશોધન કરતી સંસ્થા CREAના અહેવાલ મુજબ, ચીન પછી આ વિશ્વનો બીજો સૌથી મોટો વધારાનો ખર્ચ છે.
CREAના અહેવાલ અનુસાર, તમામ અશ્મિશીલ ઇંધણ (ફોસિલ ફ્યુઅલ)ને ધ્યાનમાં લેતાં ભારતનો ચોખ્ખો વધારાનો ખર્ચ 14.4 અબજ ડોલર રહ્યો છે. આ રકમ દેશની જીડીપીના આશરે 0.38 ટકા એટલે કે લગભગ 1.4 દિવસની રાષ્ટ્રીય આવક જેટલી થાય છે. આ સમયગાળા દરમિયાન માત્ર કાચા તેલ પાછળ થયેલો ચોખ્ખો વધારાનો ખર્ચ 20.5 અબજ ડોલર રહ્યો હતો.
હોર્મુઝ સંકટના છ મહિનામાં વિશ્વભરના અશ્મિશીલ ઇંધણ ખરીદનારા દેશોએ કુલ મળીને આશરે 330 અબજ ડોલરનો વધારાનો ખર્ચ કર્યો છે. તેમાં કાચા તેલનો હિસ્સો 164.1 અબજ ડોલર, ડીઝલ અને ગેસોઇલ પર 73.8 અબજ ડોલર, પેટ્રોલ પર 35.7 અબજ ડોલર અને એલએનજી પર 38 અબજ ડોલરનો સમાવેશ થાય છે. સંકટ બાદ બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ ભાવ અગાઉના અંદાજ કરતાં 35 ટકા વધુ એટલે કે બેરલ દીઠ 93 ડોલર રહ્યો હતો, જે 23 જુલાઈએ વધીને 105 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન ડીઝલના ભાવ પણ અગાઉના અંદાજ કરતાં સરેરાશ 59 ટકા વધારે રહ્યા હતા.
ભારતે માર્ચથી ઓગસ્ટ દરમિયાન આયાત કરેલા એલપીજી માટે અગાઉના અંદાજ કરતાં આશરે 29 ટકા વધુ કિંમત ચૂકવવી પડી હતી. આ સમયગાળામાં એલપીજી આયાતનું પ્રમાણ લગભગ 26 ટકા ઓછું રહ્યું હતું. છેલ્લા છ મહિનાનું કુલ એલપીજી આયાત બિલ 4.7 અબજ ડોલર રહ્યું, જેમાં સંકટને કારણે થયેલો વધારાનો ખર્ચ આશરે 1.1 અબજ ડોલર હતો. માર્ચ મહિનામાં ભારતની એલપીજી આયાત પાછલા બે વર્ષની સરેરાશથી 49 ટકા ઘટી ગઈ હતી, જ્યારે અમેરિકન એલપીજીનો હિસ્સો ફેબ્રુઆરીના 8 ટકાથી વધીને એપ્રિલમાં 32 ટકા થઈ ગયો હતો.
વર્ષ 2020 પછી વધેલી સ્વચ્છ વીજળી ક્ષમતાએ સંકટના શરૂઆતના પાંચ મહિનામાં આયાતકાર દેશોને કોલસા, ગેસ અને તેલની આયાતમાં આશરે 36 અબજ ડોલર બચાવવામાં મદદ કરી છે, જેમાં ભારત પણ મહત્વપૂર્ણ બચત કરનારા દેશોમાં સામેલ છે. જોકે, આયાત ખર્ચ વધવાનો સીધો અર્થ એવો નથી કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજીના છૂટક ભાવમાં તાત્કાલિક તેટલો જ વધારો થઈ જશે, કારણ કે છૂટક કિંમતો પર સરકારી ટેક્સ, સબસિડી અને અન્ય પરિબળોની પણ સીધી અસર રહે છે.