ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતી 'TIME100 AI' યાદીમાં આ વર્ષે ભારતીય મૂળના વૈજ્ઞાનિક પ્રોફેસર અનિમા આનંદકુમારનું નામ સામેલ થયું છે. આ યાદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના સૌથી પ્રભાવશાળી 100 લોકોની હોય છે. અનિમાનું કાર્ય એઆઈ અને વિજ્ઞાનના સંગમ પર આધારિત છે, જેને 'AI for Science' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે હવામાનની આગાહી, ન્યુક્લિયર ફ્યુઝન, દવાનો વિકાસ અને ક્વોન્ટમ ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં ક્રાંતિકારી સંશોધન કર્યા છે.
અનિમા આનંદકુમારે 'ન્યુરલ ઓપરેટર્સ' નામની ટેકનોલોજી વિકસાવી છે, જે એઆઈને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના નિયમો શીખવે છે. આ ટેકનોલોજીની મદદથી જટિલ વૈજ્ઞાનિક સમસ્યાઓના સિમ્યુલેશનને અતિ ઝડપથી પૂર્ણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, હવામાનની સચોટ આગાહી કરવા માટે ભારે ગણતરીઓ કરવી પડે છે, જેમાં આ ટેકનોલોજી મદદરૂપ થઈ શકે છે. તેવી જ રીતે, ન્યુક્લિયર ફ્યુઝન જેવી ઊર્જા સમસ્યાઓના ઉકેલમાં પણ આ સંશોધન ઉપયોગી થઈ શકે છે.
અનિમાએ પોતાના જીવનનું લક્ષ્ય ભૌતિક દુનિયાના સિમ્યુલેશનને ઝડપી બનાવવા એઆઈનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા એક દાયકાથી તેઓ આ દિશામાં સતત કાર્યરત છે. તેમના સંશોધનથી વિજ્ઞાનના ક્ષેત્રમાં નવા દ્વાર ખૂલી શકે છે, અને દવા શોધવાની પ્રક્રિયા પણ ઝડપી બની શકે છે.
કારકિર્દીની વાત કરીએ તો, અનિમાએ ટેકનોલોજી ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ યોગદાન આપ્યાં છે. એમેઝોનમાં કાર્યરત દરમિયાન તેમણે લોકપ્રિય મશીન લર્નિંગ પ્લેટફોર્મ 'એમેઝોન સેગમેકર' (Amazon SageMaker) વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પ્લેટફોર્મ ડેવલપર્સને સરળતાથી એઆઈ મોડલ બનાવવામાં મદદ કરે છે. 2017માં તેઓ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Caltech) ખાતે પ્રોફેસર બન્યા. ત્યારબાદ તેઓ અગ્રણી ટેક કંપની NVIDIA માં એઆઈ સંશોધનના સિનિયર ડિરેક્ટર પદે પણ રહ્યા.
અનિમા આનંદકુમારનો જન્મ કર્ણાટકના મૈસૂરમાં થયો હતો. તેમણે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈઆઈટી મદ્રાસમાંથી બી.ટેકની ડિગ્રી મેળવી. ત્યારબાદ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી પીએચડીની ઉપાધિ મેળવી. તેમણે એમઆઈટી (MIT) માં પણ સંશોધન કર્યું છે. તેમની શૈક્ષણિક સફર આજે ભારતના યુવાનો માટે પ્રેરણારૂપ છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપરાંત, અનિમા એક ઉત્કૃષ્ટ ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે. તેમની આ બહુપક્ષીય પ્રતિભા દર્શાવે છે કે વિજ્ઞાન અને કળા બંનેને એકસાથે આગળ લઈ જઈ શકાય છે. આ પ્રકારની સર્વાંગીણ પ્રતિભા તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે.
TIME100 AI યાદીમાં સ્થાન મેળવવું એ કોઈપણ વૈજ્ઞાનિક માટે ગૌરવની બાબત છે. આ યાદીમાં સમાવેશ થવાથી માત્ર અનિમાનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય વૈજ્ઞાનિક સમુદાયનું પણ ગૌરવ વધ્યું છે. તેમનું કાર્ય ભારતમાં એઆઈ સંશોધનના ભાવિ માટે પ્રેરણા આપનારું છે.