અમદાવાદમાં તહેવારોની મોસમમાં મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળના બનાવો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે શહેરની દરેક મીઠાઈ-ફરસાણની દુકાનમાં ગ્રાહકો માટે ઓન-ધ-સ્પોટ રેપિડ ટેસ્ટિંગ કીટ ફરજિયાત મૂકવાની સૂચના આપવામાં આવી છે. આ કીટથી ગ્રાહકો ખરીદી કરતા પહેલાં સ્થળ પર જ પ્રાથમિક ચકાસણી કરી શકશે, જેથી શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ-ફરસાણ મળી શકે.
આ ટેસ્ટિંગ કીટ દ્વારા મુખ્યત્વે ચાંદીના વરખની શુદ્ધતા, ખોયા, માવા, મીઠાઈ અને પનીરમાં સ્ટાર્ચની તપાસ, બિનધાર્મિક (નોન-પરમિટેડ) કલરની ઓળખ, કેસર અસલી છે કે નકલી તેની ચકાસણી, અને શુદ્ધ ઘીમાં વેજિટેબલ ફેટની ભેળસેળ છે કે નહીં તેની તપાસ કરી શકાશે. આ માટે જરૂરી રસાયણો અને સામગ્રી સરળતાથી ઉપલબ્ધ અને સસ્તી હોવાનું જણાવાયું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ મીઠાઈ-ફરસાણ મળી રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક દુકાનમાં ગ્રાહકો સરળતાથી જોઈ અને ઉપયોગ કરી શકે તેવી રીતે ટેસ્ટિંગ કીટ મૂકવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જો મીઠાઈ કે ફરસાણમાં ભેળસેળ જોવા મળે તો નાગરિકો કોર્પોરેશનના 155303 નંબર પર ફરિયાદ કરી શકશે અને ફૂડ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ ફરસાણની દુકાનોમાં રસોઈના તેલનો વારંવાર ઉપયોગ થાય છે કે નહીં તેની તપાસ માટે TPC મશીન મૂકવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ હાલમાં અનેક દુકાનોમાં આ મશીન જોવા મળતું નથી. આથી નવી ટેસ્ટિંગ કીટની સૂચનાનો વાસ્તવિક અમલ કેટલો થાય છે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ મીઠાઈ એન્ડ ફરસાણ એસોસિએશનને પણ ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જણાવાયું છે.
તહેવારો દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાય તે માટે અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિએશનને પત્ર લખીને 18 મુદ્દાઓનું પાલન કરવા જણાવાયું છે. આ મુદ્દાઓમાં કિચન, ફૂડ પ્રિપેરેશન એરિયા, સ્ટોરેજ એરિયા, ફ્લોર, દિવાલ, સિલિંગ, ડ્રેનેજ સહિતની નિયમિત સફાઈનો સમાવેશ થાય છે. પીવાના પાણી, કૂકિંગ અને ફૂડ તૈયાર કરવા માટે પોર્ટેબલ વોટરની ગુણવત્તા સુનિશ્ચિત કરવી, ફૂડ હેન્ડલર્સે સાફ કપડાં, એપ્રોન, હેડ કવર વગેરે પહેરવા, બીમાર કે ચેપી લક્ષણવાળા કર્મચારીને ફૂડ હેન્ડલિંગથી દૂર રાખવા, રો ફૂડ, કૂક્ડ ફૂડ, વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન ફૂડનું અલગ-અલગ સ્ટોરેજ કરી ક્રોસ-કન્ટામિનેશન અટકાવવું, પેરિશેબલ ફૂડ, ડેરી પ્રોડક્ટ, પનીર, મીટ, પોલ્ટ્રી વગેરેને યોગ્ય તાપમાને રાખવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કિચનમાં CCTV કૅમેરા લગાવવા અને ગ્રાહકોને કિચનનું લાઇવ ફૂટેજ દેખાય તેવી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. હોટલ ઓનર્સ એસોસિએશનને CCTV ઇન્સ્ટોલેશન અને લાઇવ ડિસ્પ્લેની સમયમર્યાદા AMCને લેખિતમાં આપવા માટે કહેવામાં આવ્યું છે.
આ નિર્ણયથી તહેવારો દરમિયાન ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થ મળે તેવી અપેક્ષા છે. તેમજ ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ફૂડ વિભાગ સતત ચેકિંગ કરી રહ્યું છે.